હિન્દ ન્યુઝ, દાહોદ
બાળકોનું સુરક્ષિત બાળપણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને આત્મનિર્ભર ભવિષ્ય એ કોઈપણ સમાજના વિકાસનો આધાર છે. અનાથ, નિરાધાર અને સંવેદનશીલ પરિસ્થિતિમાં જીવતા બાળકોને સમાજની મુખ્યધારામાં જોડવા માટે જિલ્લા બાળ સુરક્ષા કચેરી દ્વારા વિવિધ યોજનાઓ અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવી રહી છે.
દાહોદ જિલ્લામાં જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા આ યોજનાઓના માધ્યમથી અનેક બાળકોને સુરક્ષા, શિક્ષણ અને આર્થિક સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
જિલ્લા બાળ સુરક્ષા એકમ : સંવેદનશીલ બાળકો માટે સુરક્ષાનું છત્ર
જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, દાહોદ ખાતે સરકારના નિયમો અનુસાર કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. અહીં બાળકોને રહેઠાણ, ભોજન, આરોગ્ય, શિક્ષણ તેમજ સર્વાંગી વિકાસ માટે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેથી તેઓ સામાન્ય જીવન જીવી શકે અને નજીકની શાળાઓમાં અભ્યાસ કરી ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી શકે.
પાલક માતા-પિતા યોજના : પરિવારના પ્રેમ સાથે વિકાસની તક
જ્યાં માતા અને પિતા બંને હયાત ન હોય અથવા પિતા અવસાન પામ્યા બાદ માતાએ પુનઃલગ્ન કર્યા હોય અને બાળક સગા સંબંધીઓ સાથે રહેતું હોય, તેવા ૦ થી ૧૮ વર્ષના અનાથ બાળકોને આ યોજના હેઠળ દર મહિને રૂ. ૩,૦૦૦ની આર્થિક સહાય ડીબીટી (DBT) મારફતે સીધી જમા કરવામાં આવે છે. આ યોજનાથી બાળકોનો અભ્યાસ, પોષણ અને દૈનિક જરૂરિયાતો સરળતાથી પૂરી થઈ શકે છે.
શેરોપોઝિટિવ શિષ્યવૃત્તિ યોજના : શિક્ષણને નવી દિશા
અનાથ અને નિરાધાર બાળકોના શિક્ષણમાં આર્થિક અડચણ ન આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા શેરો પોઝિટિવ શિષ્યવૃત્તિ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ નિયમિત અભ્યાસ કરતા બાળકોને ડીબીટી મારફતે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, જેથી તેઓ શિક્ષણ ચાલુ રાખી પોતાના સપનાઓને સાકાર કરી શકે.
સ્પોન્સરશિપ યોજના : બાળકોના ભવિષ્ય માટે આર્થિક સહારો
કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા તેમજ આર્થિક રીતે નબળા પરિવારોના ૦ થી ૧૮ વર્ષના બાળકોને સ્પોન્સરશિપ યોજના હેઠળ દર મહિને રૂ. ૩,૦૦૦ની સહાય આપવામાં આવે છે. ફોસ્ટર કેર અથવા કુટુંબમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોને પણ આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ સહાયથી બાળકોના શિક્ષણ, આરોગ્ય અને પોષણની જરૂરિયાતો પૂર્ણ કરવામાં મદદ મળે છે.
સમાજના સહયોગથી બાળ સુરક્ષા વધુ મજબૂત
જિલ્લા બાળ સુરક્ષા વિભાગ દ્વારા તાલુકા પંચાયતો તથા સંબંધિત વિભાગોને આવા અનાથ અને નિરાધાર બાળકોની ઓળખ કરી તેમને યોગ્ય યોજના હેઠળ આવરી લેવા માટે સતત માર્ગદર્શન આપવામાં આવે છે. કોઈપણ બાળક સરકારી સહાયથી વંચિત ન રહે તે માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ સતત કાર્યરત છે.
સરકારની બાળ કલ્યાણ યોજનાઓ માત્ર આર્થિક સહાય પૂરતી મર્યાદિત નથી, પરંતુ દરેક બાળકને સુરક્ષિત બાળપણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને આત્મવિશ્વાસપૂર્ણ જીવન જીવવાની તક પૂરી પાડે છે. સમાજ અને સરકારના સંયુક્ત પ્રયાસોથી અનાથ અને નિરાધાર બાળકોને નવી આશા, નવો આધાર અને ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ મળી રહ્યો છે.
