ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે સર્પદંશના ત્રણ બનાવ નોંધાયા

હિન્દ ન્યુઝ, ડાંગ 

 ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે સર્પદંશની ઘટનાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. દરમિયાન, ગઈ રાત્રે જિલ્લામાં સર્પદંશના કુલ ત્રણ કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.

સર્પદંશનો ભોગ બનેલા દર્દીઓની પ્રાપ્ત વિગતો મુજબ (૧) શ્રી હસમુખભાઈ રમેશભાઈ આહીર (ઉંમર 35 વર્ષ), ગામ: ચીખલી (લવચાલી), (૨) શ્રી હીરાભાઈ કાળુભાઈ ભોયે (ઉંમર 55 વર્ષ), ગામ: ગારખડી, તથા (૩) શ્રી શૈલેષભાઈ બાપુભાઈ બરડે (ઉંમર 22 વર્ષ), ગામ: સાવરપાડા. 

આ ત્રણે દર્દીઓને તાત્કાલિક સારવાર માટે આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સારો વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને સર્પોના રહેણાંક વિસ્તારોમાં પ્રવેશવાની શક્યતા વધી હોવાથી વિશેષ સાવચેતી રાખવા જિલ્લા તંત્રએ અપીલ કરી છે. 

આરોગ્ય વિભાગે પ્રજાજનોને અપીલ કરતા જણાવ્યું છે કે, વરસાદ દરમિયાન ખેતર, જંગલ અને ઝાડીવાળા વિસ્તારોમાં જતી વખતે સાવચેતી રાખવી, રાત્રે બહાર નીકળતી વખતે ટોર્ચનો ઉપયોગ કરવો અને પગમાં બૂટ અથવા ચંપલ પહેરવા, સર્પદંશ થાય તો કોઈપણ ઘરગથ્થુ ઉપચારમાં સમય બગાડ્યા વગર તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલ અથવા આરોગ્ય કેન્દ્રમાં પહોંચવા, દર્દીને શાંતિથી અને શક્ય હોય ત્યાં સુધી અસરગ્રસ્ત અંગને ઓછું હલનચલન થાય તેની કાળજી લેવા, નાગરિકોને અફવાઓથી દૂર રહી સતર્ક રહેવા તથા કોઈપણ તબીબી ઇમરજન્સીમાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવા અથવા નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરી છે.

Related posts

Leave a Comment