હિન્દ ન્યુઝ, ડાંગ
ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આજે તા. 22 જુલાઈ, 2026ના રોજ સવારે 4:00 વાગ્યે જાહેર કરાયેલી આગાહી મુજબ આગામી ત્રણ કલાક દરમિયાન ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે હળવા ગાજવીજ અને પ્રતિ કલાક 40 કિ.મી.થી ઓછી ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ વાદળમાંથી જમીન પર વીજળી પડવાની સંભાવના ઓછી (30 ટકાથી ઓછી) હોવાનું પણ જણાવાયું છે.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ડાંગ જિલ્લાના નાગરિકોને અનાવશ્યક બહાર નીકળવાનું ટાળવા, નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા તેમજ નદી-નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોની નજીક ન જવા અપીલ કરવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા ખરાબ હવામાન દરમિયાન નીચે મુજબની સાવચેતીઓ રાખવા સૂચના આપવામાં આવી છે:
– શક્ય હોય ત્યાં સુધી ઘરની અંદર જ રહો.
– બહાર હોવ તો સુરક્ષિત સ્થળે આશરો લો.
– ખુલ્લા મેદાનો, નદી, તળાવ અને અન્ય જળાશયોથી દૂર રહો.
– ઝાડ નીચે ઊભા ન રહો.
– ભારે વરસાદ દરમિયાન વાહન ચલાવતી વખતે વિશેષ સાવચેતી રાખો.
આ દરમિયાન જિલ્લા કન્ટ્રોલ રૂમના વરસાદના અહેવાલ મુજબ તા. 21 જુલાઈના 24 કલાકમાં આહવા તાલુકામાં 128 મિ.મી., વઘઈ તાલુકામાં 183 મિ.મી. અને સુબીર તાલુકામાં 105 મિ.મી. વરસાદ નોંધાયો છે. જિલ્લાનો સરેરાશ વરસાદ 138.67 મિ.મી. રહ્યો છે.
જિલ્લા વહીવટીતંત્રે નાગરિકોને અફવાઓથી દૂર રહી માત્ર અધિકૃત હવામાન વિભાગ અને જિલ્લા તંત્ર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી માહિતી પર વિશ્વાસ રાખવા તથા કોઈપણ ઇમરજન્સી સ્થિતિમાં સ્થાનિક તંત્રના માર્ગદર્શનનું પાલન કરવા અનુરોધ કર્યો છે.
