હિન્દ ન્યુઝ, ડાંગ
ડાંગ જિલ્લામાં સતત વરસાદને કારણે અનેક કોઝવે પર પાણી ફરી વળતા (ઓવરટોપિંગ) જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કુલ 13 ગ્રામ્ય માર્ગો અસ્થાયી ધોરણે વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.
માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ, આહવા દ્વારા તા. 22 જુલાઈ, 2026ના રોજ સવારે 9:30 કલાકની સ્થિતિ મુજબ આ માહિતી જાહેર કરવામાં આવી છે.
બંધ કરાયેલા મોટાભાગના માર્ગો પર કોઝવે ઉપરથી પાણી વહેતા હોવાથી સુરક્ષાના હેતુસર વાહનવ્યવહાર રોકવામાં આવ્યો છે. સંબંધિત વિસ્તારો માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે.
માર્ગ અને મકાન વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે બંધ જાહેર કરાયેલા માર્ગો પરથી પસાર થવાનો પ્રયાસ ન કરે તેમજ માત્ર દર્શાવાયેલા વૈકલ્પિક માર્ગોનો જ ઉપયોગ કરે. વરસાદી પરિસ્થિતિમાં કોઝવે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણીનું સ્તર અચાનક વધી શકતું હોવાથી સાવચેતી રાખવી જરૂરી છે.
વિભાગ દ્વારા માર્ગોની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે, અને પાણીનું સ્તર ઘટતાં માર્ગોને તબક્કાવાર વાહનવ્યવહાર માટે ખુલ્લા મૂકવામાં આવશે.
નાગરિકોને મુસાફરી પહેલાં સંબંધિત વિભાગ અથવા સ્થાનિક તંત્ર પાસેથી માર્ગોની નવીનતમ માહિતી મેળવીને જ પ્રવાસ કરવાની સલાહ આપવામાં આવી છે.
જે માર્ગો અસરગ્રસ્ત થયા છે તેમાં (૧) મોટીદાબદર–લહાનદાબદર–નાનાપાડા રોડ, (૨) ઘાંગડી–કાનાત ફળિયા રોડ, (૩) માનમોડી–બોડારમાળ–નિબારપાડા રોડ, (૪) ઘોડવહળ વી.એ. રોડ, (૫) સુસરદા વી.એ. રોડ, (૬) ખાતળ ફાટક–ઘોડી રોડ, (૭) ગોદડિયા–પાંઢરમાળ રોડ, (૮) માછલી–ચીખલા–દિવડયાવન રોડ, (૯) કાકડવીહિર–ખેરિંદા–ચમારપાડા રોડ, (૧૦) વાંઝટઆંબા–કોયલીપાડા રોડ, (૧૧) ડુંગરડા વી.એ. રોડ, (૧૨) મેઇન રોડ–આંબાપાડા–ચિંચપાડા–ઉગા રોડ, અને (૧૩) ભવાનદગડ–ધુળચોંડ–આમસરવલણ રોડનો સમાવેશ થાય છે.
