ચાલુ ચોમાસામાં સર્પદંશના બનાવોને લઈ સાવધાન રહો

હિન્દ ન્યુઝ, ડાંગ 

   ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદને કારણે સાપો અને અન્ય ઝેરી જીવજંતુઓ પોતાના દરમાંથી બહાર આવતા હોવાથી સર્પદંશના બનાવોમાં વધારો થવાની શક્યતા રહે છે. જુલાઈ-૨૦૨૬ દરમિયાન જનરલ હોસ્પિટલ, આહવા ખાતે સર્પદંશ તેમજ અન્ય ઝેરી જીવજંતુના દંશના ૬૬ જેટલા કેસ નોંધાતા આરોગ્ય વિભાગે જિલ્લાવાસીઓને વિશેષ સાવચેતી રાખવાની અપીલ કરી છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ખેતરમાં કામ કરતી વખતે, જંગલ વિસ્તારમાં જતાં, રાત્રે બહાર નીકળતી વખતે તેમજ ઘરની આસપાસ ઘાસ-ઝાંખરા, લાકડાંના ઢગલા કે પથ્થરો નજીક કામ કરતી વખતે ખાસ તકેદારી રાખવી જરૂરી છે. રાત્રિના સમયે હંમેશા ટોર્ચનો ઉપયોગ કરવો તેમજ પગમાં મજબૂત બૂટ અથવા ચંપલ પહેરીને બહાર નીકળવું.


સર્પદંશથી બચવા માટેની અગત્યની તકેદારી:

– ઘરની આસપાસ સ્વચ્છતા રાખો અને ઝાંખરા દૂર કરો,

– ખેતરમાં કામ કરતી વખતે બૂટ તથા હાથમોજાંનો ઉપયોગ કરો,

– રાત્રે અંધારામાં ટોર્ચ વિના બહાર ન નીકળો,

– જમીન પર સૂવાનું ટાળો અને મચ્છરદાનીનો ઉપયોગ કરો,

– બાળકોને ઘાસ, ઝાડી અને પથ્થરના ઢગલા નજીક રમવા ન દો,


જો સર્પદંશ થાય તો શું કરવું?

– દર્દીને ગભરાવા ન દો અને શક્ય તેટલો શાંત રાખો,

– અસરગ્રસ્ત અંગને ઓછું હલનચલન થાય તે રીતે સ્થિર રાખો,

– દર્દીને તાત્કાલિક નજીકની સરકારી આરોગ્ય સંસ્થા અથવા હોસ્પિટલમાં લઈ જવો,

– શક્ય હોય તો દંશ થયાનો સમય નોંધવો,


શું ન કરવું ?

– દંશના સ્થળે ચીરો ન મૂકવો,

– ઝેર ચૂસવાનો પ્રયાસ ન કરવો,

– દોરો, પટ્ટો અથવા વાયરથી અંગને ખૂબ કસીને ન બાંધવો,

– કોઈપણ પ્રકારના ઘરગથ્થુ ઉપચાર, જડીબુટ્ટી કે ભૂવા-ભરાડા પર વિશ્વાસ ન કરવો,

– સારવારમાં વિલંબ ન કરવો,

આરોગ્ય વિભાગે ભારપૂર્વક જણાવ્યું છે કે સર્પદંશની અસરકારક સારવાર સરકારી હોસ્પિટલોમાં ઉપલબ્ધ એન્ટી સ્નેક વેનમ (ASV) દ્વારા નિઃશુલ્ક કરવામાં આવે છે. સમયસર સારવાર મળવાથી મોટાભાગના દર્દીઓનો જીવ બચાવી શકાય છે.

જિલ્લાના તમામ નાગરિકોને ચોમાસા દરમિયાન સતર્ક રહેવા, સર્પદંશ અંગેની અંધશ્રદ્ધાથી દૂર રહી વૈજ્ઞાનિક સારવાર અપનાવવા અને કોઈપણ સર્પદંશની ઘટના બને તો તાત્કાલિક નજીકની આરોગ્ય સંસ્થાનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

Related posts

Leave a Comment