માર્ગ અને મકાન(પંચાયત) વિભાગ દ્વારા વરસાદથી અસરગ્રસ્ત રસ્તાઓની મરામત અને સલામતીની કામગીરી યુદ્ધના ધોરણે

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર 

   છોટાઉદેપુર જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના વિવિધ માર્ગો અને પુલ-કોઝવે પર નુકસાન પહોંચ્યું હતું. નાગરિકોની સલામતી અને અવરજવર પૂર્વવત કરવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે મરામત અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જિલ્લામાં મોધલા પલાસણી રોડ (વી.આર. પ્લાન – ૨.૨૦ કિ.મી.) રોડ પર સાઈડ સોલ્ડરનું ધોવાણ થવાથી દીવાલ અને રોડ વચ્ચે કટ પડી ગયા હતા, જેનું ત્વરિત પૂરાણ કરી રસ્તો સુરક્ષિત કરવામાં આવ્યું હતું. સૂકી નદી કાંઠાના માર્ગો પર સૂકી નદીમાં ભારે વરસાદના કારણે મોટા પાયે રોડનું ધોવાણ થયું હતું. તંત્ર દ્વારા તાત્કાલિક રીપેરિંગ કામગીરી હાથ ધરીને આ રસ્તો વાહનવ્યવહાર માટે (મોટરેબલ) ખુલ્લો કરવામાં આવ્યો હતો. આથાડુનાગરી PHC જોઈનિંગ રોડ પર પણ વરસાદી નુકસાન સામે ત્વરિત મરામતની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.

કરજવાટ મોટીટોકરી બોરધા રોડ પર આવેલ ટોકર કોતરમાં ભારે વરસાદના કારણે નાની ટોકરી ખાતેના કોઝવેને નુકસાન પહોંચ્યું હતું, જેને તુરંત રિપેર કરવામાં આવ્યો હતો.  

સલામતીના ભાગરૂપે નાગરિકોની સુરક્ષાને સર્વોપરી રાખીને, છોટાઉદેપુર જિલ્લામાં માર્ગ અને મકાન(પંચાયત) વિભાગના કુલ ૩૦ રસ્તાઓની ઉપરથી પાણી ફરી વળતા, કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે આ તમામ રસ્તાઓ તાત્કાલિક ધોરણે વાહનવ્યવહાર માટે બંધ કરાવવામાં આવ્યા છે. સ્થિતિ સામાન્ય થતાં જ આ રસ્તાઓ પૂર્વવત શરૂ કરવામાં આવશે.

Related posts

Leave a Comment