ડાંગ, સુરત, નવસારી, તાપી તથા વલસાડ જિલ્લામાં આગામી ત્રણ કલાક માટે રેડ એલર્ટ: નાગરિકોને સતર્ક રહેવા અપીલ

હિન્દ ન્યુઝ, ડાંગ

    ભારત હવામાન વિભાગ (IMD), હવામાન કેન્દ્ર, અમદાવાદ દ્વારા તા. 21 જુલાઈ, 2026ના રોજ સવારે 4:00 વાગ્યે જાહેર કરાયેલા આગાહી અનુસાર આગામી ત્રણ કલાક દરમિયાન સુરત, નવસારી, તાપી, ડાંગ તથા વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ, હળવા ગાજવીજ તથા પ્રતિ કલાક 40 કિ.મી.થી ઓછી ઝડપના પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

આ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોવાથી નાગરિકોને વિશેષ સાવચેતી રાખવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે.

દરમિયાન ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 66 મિ.મી. વરસાદ નોંધાયો છે. તાલુકાવાર વરસાદ જોઈએ તો આહવા – 72 મિ.મી., વઘઈ – 87 મિ.મી. અને સુબીર – 39 મિ.મી. વરસાદ નોંધાયો છે. 

સંભવિત અસર

– વીજળી પડવાની શક્યતા

– નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ

– ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થવાની શક્યતા

– માર્ગવ્યવહાર અને ટ્રાફિકમાં અવરોધ

નાગરિકોને અપીલ

– અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવું.

– નદી, નાળા, ધોધ અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવું.

– ખુલ્લા મેદાનમાં કે વૃક્ષ નીચે આશરો ન લેવો.

– વીજળીના કડાકા દરમિયાન સુરક્ષિત સ્થળે રહેવું.

– બાળકો અને વૃદ્ધોની ખાસ કાળજી રાખવી.

– જિલ્લા વહીવટીતંત્ર અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું.

    જિલ્લા વહીવટીતંત્રે નાગરિકોને અફવાઓથી દૂર રહી માત્ર અધિકૃત સ્ત્રોતો દ્વારા આપવામાં આવતી હવામાન સંબંધિત માહિતી પર જ વિશ્વાસ રાખવા તેમજ કોઈપણ આપાત પરિસ્થિતિમાં સ્થાનિક તંત્રનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.

Related posts

Leave a Comment