હિન્દ ન્યુઝ, દાહોદ
દીકરી પરિવારનું ગૌરવ અને સમાજનું ભવિષ્ય છે. દીકરીના લગ્ન પ્રસંગે આર્થિક રીતે નબળા પરિવારોને પડતી મુશ્કેલીઓને હળવી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ‘કુંવરબાઈનું મામેરું યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ પાત્ર આદિજાતિ પરિવારોની કન્યાઓને લગ્ન સમયે રૂ. ૧૨,૦૦૦ ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ સહાયથી જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક રાહત મળે છે અને દીકરીના સન્માનપૂર્ણ જીવનની શરૂઆત વધુ સુગમ બને છે.
રાજ્ય સરકારની આ યોજના માત્ર આર્થિક સહાય પૂરતી મર્યાદિત નથી, પરંતુ મહિલા સશક્તિકરણ, સામાજિક સમાનતા અને દીકરી પ્રત્યે સકારાત્મક અભિગમ વિકસાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ પણ છે. સહાયની રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) પદ્ધતિ દ્વારા સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે, જેના કારણે સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા અને ઝડપ જળવાઈ રહે છે.
યોજનાની પાત્રતા
યોજનાનો લાભ મેળવવા માટે અરજદાર ગુજરાત રાજ્યની અનુસૂચિત જનજાતિ (ST)નો હોવો જરૂરી છે. પરિવારની વાર્ષિક આવક રૂ. ૬ લાખથી ઓછી હોવી જોઈએ. એક પરિવારની વધુમાં વધુ બે કન્યાઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે.
જરૂરી દસ્તાવેજો
યોજનાનો લાભ મેળવવા માટે કન્યાનું આધાર કાર્ડ, પિતાનું આધાર કાર્ડ, જન્મ દાખલો અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC), આવકનો દાખલો, અનુસૂચિત જનજાતિનો દાખલો, લગ્ન નોંધણી પ્રમાણપત્ર તેમજ કન્યાના નામની બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક રજૂ કરવાનો રહે છે.
ઓનલાઈન અરજી પ્રક્રિયા
અરજદારે e-Vanbandhu પોર્ટલ પર નોંધણી કરી યુઝર આઈડી અને પાસવર્ડ બનાવવો. ત્યારબાદ લોગિન કરીને “કુંવરબાઈનું મામેરું યોજના” પસંદ કરી અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરવી, તમામ જરૂરી દસ્તાવેજો ઓનલાઈન અપલોડ કરવા અને અરજી સબમિટ કર્યા બાદ તેની પ્રિન્ટ પોતાના રેકોર્ડ માટે સાચવી રાખવી.
યોજનાના મુખ્ય લાભો
– લગ્ન પ્રસંગે રૂ. ૧૨ હજારની આર્થિક સહાય.
– આર્થિક રીતે નબળા પરિવારોને રાહત અને સામાજિક સુરક્ષા.
– DBT પદ્ધતિથી સહાય સીધી બેંક ખાતામાં જમા.
– મહિલા સશક્તિકરણ અને સામાજિક સમાનતાને પ્રોત્સાહન.
– દીકરી પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણને પ્રોત્સાહન.
– દીકરીના ગૌરવ અને સુરક્ષાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ
કુંવરબાઈનું મામેરું યોજના રાજ્ય સરકારની દીકરીઓ પ્રત્યેની સંવેદનશીલતા અને પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે. ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને લગ્ન પ્રસંગે આર્થિક સંબળ પૂરું પાડવાની સાથે આ યોજના સમાજમાં દીકરીના ગૌરવ અને સમાન અધિકારના સંદેશને વધુ મજબૂત બનાવે છે. દાહોદ જિલ્લામાં યોજનાના અસરકારક અમલીકરણ માટે મદદનીશ કમિશનર (તકેદારી), આદિજાતિ વિકાસ કચેરી દ્વારા માર્ગદર્શન અને જરૂરી સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે છે. વધુ માહિતી અને અરજી સંબંધિત માર્ગદર્શન માટે લાભાર્થીઓ સંબંધિત કચેરીનો સંપર્ક કરી શકે છે.
દીકરીના ઉજ્જવળ ભવિષ્ય, સન્માન અને સુરક્ષાને પ્રાધાન્ય આપતી “કુંવરબાઈનું મામેરું યોજના” રાજ્ય સરકારના સર્વસમાવેશક વિકાસના અભિગમને સાકાર કરતી એક મહત્વપૂર્ણ કલ્યાણકારી યોજના છે, જે આદિજાતિ સમાજના પરિવારો માટે આશાનું કિરણ બની રહી છે.
