હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન કોમર્સ કૉલેજ, દાહોદ ખાતે આચાર્યશ્રી ડૉ. બી.આર. બોદર અને વાઈસ પ્રિન્સિપાલ ડૉ. હરેશ કે. પંચાલના માર્ગદર્શન હેઠળ ગુજરાતી વિભાગના ઉપક્રમે આજરોજ ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય “સર્જકશ્રી ઉમાશંકર જોશીની ૧૧૫ મી જન્મજયંતી ઉજવણી” ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. કાર્યક્રમનો આરંભ પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો. સ્વાગત પ્રવચન સેલ્ફ ફાઇનાન્સ વિભાગના કોઓર્ડીનેટર પ્રા.ડૉ.ધવલ જોશીએ કર્યું હતું.
આચાર્ય ડૉ.બી.આર.બોદરએ કવિ ઉમાશંકર જોશીના જન્મદિવસની સૌને શુભકામનાઓ પાઠવી હતી. તેમજ તેમના વ્યક્તિત્વ અને કૃતિત્વમાંથી પ્રેરણા લઈ વિદ્યાર્થીઓ પણ વિશેષ વ્યક્તિ બની કારકિર્દી ઘડતર કરે અને સમાજમાં ઉત્તમ વ્યક્તિ તરીકે નામના પ્રાપ્ત કરે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કવિશ્રી ઉમાશંકર જોશીના વૈવિધ્યલક્ષી સર્જનનું વાંચન દ્વારા વિદ્યાર્થીઓને ઉત્તમ ચારિત્ર્ય ઘડતર કરવા પ્રેરિત કર્યા હતા.
સંસ્કૃત વિભાગના અધ્યક્ષશ્રી પ્રા.જી.જી.સંગાડાએ કવિ ઉમાશંકર જોશીની જન્મજયંતી નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવીને વિદ્યાર્થીઓને ઉમાશંકર જોશીનું જીવનચરિત્ર વાંચન કરી ઉત્તમ નાગરિક બનવા પર ભાર મૂક્યો હતો. ડૉ.મુકેશપુરી સ્વામીએ સર્જકશ્રી ઉમાશંકર જોશીના સાહિત્ય સર્જનની વર્તમાન સમયમાં પ્રસ્તુતતા રજૂ કરી હતી.
કૉલેજના વિદ્યાર્થીઓએ ઉમાશંકર જોશીનું જીવન, સાહિત્યસર્જન-એકાંકી, વાર્તાઓનો આસ્વાદ કરાવ્યો હતો. તેમજ ઉમાશંકર જોશીનાં જાણીતાં ગીતોનું ગાન કર્યું હતું. તથા વિદ્યાર્થીઓએ ઉમાશંકર જોશીના સ્કેચ અને રંગોળી દોરી કાર્યક્રમમાં ઉત્સાહ ભર્યો હતો. કાર્યક્રમના આયોજનમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષશ્રી ડૉ.નમ્રતાબેન મકવાણા, પ્રા.કુલદીપ ભાભોર, ડૉ.રાહુલ સથવારા પણ સહભાગી થયા હતા. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા.જયદીપ ચાવડાએ અને આભારવિધિ ડૉ. કમલેશ આર.ગાયકવાડે કરી હતી. કાર્યક્રમમાં ગુજરાતી વિષય સાથે અભ્યાસ કરતા વિધાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમ માણ્યો હતો.
