દાહોદ જિલ્લામાં ‘Sunday on Cycle’ સાયક્લોથોન રેલી યોજાઈ – “Fit India, Fit Gujarat, Fit Dahod” નો સંદેશ જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ

હિન્દ ન્યુઝ, દાહોદ

    ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા ફિટ ઇન્ડિયા મિશનના સંયુક્ત ઉપક્રમે તા. 19 જુલાઈ, 2026 (રવિવાર)ના રોજ સમગ્ર રાજ્યની સાથે દાહોદ જિલ્લામાં પણ “Sunday on Cycle (Cyclothon)” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન અને સૂચના અનુસાર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ દાહોદના છાબ તળાવ ખાતે અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તથા તાલુકા આરોગ્ય અધિકારીશ્રી, દાહોદના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. 

આ કાર્યક્રમ દરમિયાન અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ સાયક્લોથોન રેલીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ આયુષ્માન આરોગ્ય મંદિરોના કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો (CHO), જિલ્લા CHO નોડલ અધિકારી, DPC–NCD સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા. 

જિલ્લા કક્ષાના કાર્યક્રમ ઉપરાંત જિલ્લાના તમામ આયુષ્માન આરોગ્ય મંદિરો ખાતે પણ “Sunday on Cycle” રેલીનું આયોજન કરી આરોગ્યપ્રદ જીવનશૈલી અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.

“Fit India, Fit Gujarat, Fit Dahod”ના સૂત્ર સાથે યોજાયેલી આ સાયક્લોથોનનો મુખ્ય હેતુ લોકોને નિયમિત સાયકલિંગ, વ્યાયામ અને શારીરિક પ્રવૃત્તિઓ માટે પ્રેરિત કરવાનો હતો, જેથી તેઓ શારીરિક તેમજ માનસિક રીતે સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકે.

કાર્યક્રમ દરમિયાન બિનચેપી રોગો જેમ કે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, સ્થૂળતા, હૃદયરોગ અને માનસિક તણાવ જેવા રોગોની રોકથામ અને નિયંત્રણ માટે નિયમિત કસરત, સંતુલિત આહાર અને સક્રિય જીવનશૈલી અપનાવવાની જરૂરિયાત અંગે પણ જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.

આ કાર્યક્રમ દ્વારા નાગરિકોને દર રવિવારે પરિવાર અને મિત્રો સાથે સાયકલિંગ અથવા અન્ય શારીરિક પ્રવૃત્તિઓમાં જોડાઈ સ્વસ્થ ભારતના નિર્માણમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી.

Related posts

Leave a Comment