હિન્દ ન્યુઝ, સુરત
પીએમ સ્વનિધિ યોજનાના કારણે વ્યવસાયની આર્થિક જરૂરિયાતો માટે હવે કોઈની પાસે મદદ માંગ્યા વિના ગૌરવભેર વેપાર કરી શકું છું: લાભાર્થી મુકેશભાઈ પાટીલ
વડાપ્રધાનશ્રીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષની ઉજવણી નિમિત્તે સુરતના ઉધના હરિનગર-૩ના કોમ્યુનિટી હોલમાં યોજાયેલી ‘જનકલ્યાણ શિબિર’માં મોટી સંખ્યામાં લોકોને ઘરઆંગણે જ વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે. ઈ-ગવર્નન્સને પ્રોત્સાહન આપતી જનકલ્યાણ શિબિર થકી લાભાર્થીઓને આગળીના ટેરવે ઝડપી, પારદર્શક અને સચોટ સેવાઓનો લાભ મળી રહ્યો છે.
સુરતના ઉધના-ચીકુવાડી વિસ્તારના રહેવાસી અને ફાસ્ટ ફૂડનો વ્યવસાય ધરાવતા મુકેશભાઈ પાટીલને ‘પીએમ સ્વનિધિ ક્રેડિટ કાર્ડ’નો લાભ મળતા તેમના નાના વ્યાપારને વેગ મળ્યો હતો. કોરોના કાળ દરમિયાન આવેલી આર્થિક તંગીને પહોંચી વળવા મુકેશભાઈએ ફાસ્ટ ફૂડનો વ્યવસાય શરુ કરવા પીએમ સ્વનિધિ યોજનાનો લાભ લીધો હતો. જેમાં પહેલા ૧૦ હજાર, પછી ૨૦ હજાર અને ત્યાર બાદ ૫૦ હજારની લોનનું સમયસર ચુકવણું કરતા તેમણે ડિજિટલ નાણાંકીય વ્યવહારને પ્રોત્સાહન આપતા ‘PM સ્વનિધિ ક્રેડિટ કાર્ડ’નો લાભ મેળવ્યો હતો.
મુકેશભાઈએ જણાવ્યું કે, આ યોજના નાના વ્યાપરીવર્ગ માટે સરકારની મોટી ભેટ સમાન છે. મારા જેવા અનેક ઉદ્યમીઓ હવે સંકોચ વિના પોતાના વ્યવસાયને આગળ ધપાવી શકે છે. આ કાર્ડ થકી હાલ મને ૩૦ હજારની વ્યાજ વિનાની ચલણ મર્યાદા મળે છે. જેને ચુકવવા ૪૦ દિવસ મળે છે. સાથે જ ડિજીટલ પેમેન્ટ કરવાથી કેશબેકનો લાભ પણ મળે છે. આમ, પીએમ સ્વનિધિ ક્રેડિટ કાર્ડ થકી ઉદ્યોગની આર્થિક જરૂરિયાતો માટે હવે કોઈની પાસે મદદ માંગ્યા વિના ગૌરવભેર વેપાર કરી શકાય છે.
PM સ્વનિધિ ક્રેડિટ કાર્ડ શું છે?
પીએમ સ્વનિધિ યોજના હેઠળ લોન મેળવીને સમયસર તેનું ચુકવણું કરનારા નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સ માટે સરકાર પીએમ સ્વનિધિ ક્રેડિટ કાર્ડ આપે છે. આ એક RuPay ક્રેડિટ કાર્ડ છે. જે સીધું જ UPI ID સાથે લિંક કરી શકાય છે. અને તેમાં ૨૦ થી ૫૦ દિવસ સુધી વ્યાજમુક્ત ક્રેડિટ મળે છે. શરૂઆતમાં રૂ.૧૦ હજારની મર્યાદા મળે છે, જેની સમયસર ચુકવણી બાદ વધીને રૂ.૩૦ હજાર સુધી પહોંચી શકે છે. આ કાર્ડની માન્યતા ૫ વર્ષ માટે રહેશે.
