વલસાડ જિલ્લામાં કપરાડાની બે અને ઉમરગામની એક મળી કુલ ૩ નવી માધ્યમિક શાળાને મંજૂરી મળી

હિન્દ ન્યુઝ, વલસાડ 

    રાજ્યના શૈક્ષણિક ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ‘શાળા પ્રવેશોત્સવ–૨૦૨૬’, ‘કન્યા કેળવણી મહોત્સવ’ તથા ‘નિપુણ ગુજરાત’ કાર્યક્રમનો રાજ્યવ્યાપી મંગલ પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અવસરે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ (NEP-2020) આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક (SCF) તથા સ્કૂલ ક્વૉલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક (SQAAF)નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 

આ ગૌરવપૂર્ણ પ્રસંગે વલસાડ જિલ્લાના શૈક્ષણિક વિકાસને નવી દિશા આપતા ચાલુ વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન મંજૂર થયેલી 3 નવી સરકારી માધ્યમિક શાળાઓના મંજૂરીપત્રો મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રી એલ. ટંડેલને અર્પણ કરવામાં આવ્યા હતા. વલસાડ જિલ્લાના શિક્ષણ ક્ષેત્ર માટે આ એક ગૌરવપૂર્ણ અને યાદગાર ક્ષણ હતી. નવી શાળાઓની મંજૂરીથી જિલ્લાના વિદ્યાર્થીઓને વધુ ગુણવત્તાસભર, સર્વસમાવેશક અને સુલભ શિક્ષણ પ્રાપ્ત થશે તેમજ શિક્ષણના વ્યાપ અને ગુણવત્તામાં નોંધપાત્ર વધારો થશે. શિક્ષણના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા અને દૂરંદેશી અભિગમનું આ એક સશક્ત પ્રતિબિંબ છે.

આ ત્રણ નવી શાળાઓને મળેલા મંજૂરી પત્રોમાં (૧) સરકારી માધ્યમિક શાળા, ડહેલી, તા. ઉમરગામ, (૨) સરકારી માધ્યમિક શાળા, દીક્ષલ, તા. કપરાડા અને (૩) સરકારી માધ્યમિક શાળા, વેરીભવાડા, તા. કપરાડાનો સમાવેશ થાય છે. આ પ્રસંગે કેબિનેટ શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા, રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમતી રીવાબા જાડેજા, રાજ્યના મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી મુકેશ કુમાર તથા અગ્ર સચિવશ્રી મિલિંદ તોરવણે ઉપસ્થિત રહ્યા હતા, તેઓની દીર્ઘદ્રષ્ટિ અને ઉચ્ચ વહીવટી માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાના શિક્ષણ ક્ષેત્રને એક નવી ઊંચાઈ મળી છે.

 

Related posts

Leave a Comment