હિન્દ ન્યુઝ, વલસાડ
વડાપ્રધાનના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તેમજ સરકારના “વિકસિત ભારત @ ૨૦૪૭”ના લક્ષ્યને સિદ્ધ કરવા અને સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી તથા લાભ વધુમાં વધુ પ્રજાજનો સુધી પહોંચે તે હેતુસર વલસાડ નગરપાલિકા દ્વારા તા.૧૮/૦૬/૨૦૨૬ના રોજ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, વલસાડ ખાતે, “જન કલ્યાણ શિબિર” તેમજ “PM સ્વનિધી મહોત્સવ”નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, પાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલ, પાલિકા કારોબારી ચેરમેન આશિષભાઈ દેસાઈ, IAS ઓફિસર પિયુષ ઘટાલા તેમજ વોર્ડના અન્ય સભ્ય ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં PM સ્વનિધિના લાભાર્થીઓ પોતાના પરિવાર સાથે હાજર રહ્યા હતા. “જન કલ્યાણ શિબિર” તથા “સ્વનિધિ મહોત્સવ” કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે PM સ્વનિધિ યોજનાનાં લાભાર્થીઓને લોન ચુકવણી પત્રો, ક્રેડીટ કાર્ડ અને પરિચય બોર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ “જન કલ્યાણ શિબિર” દરમિયાન શહેરીજનોને એક જ સ્થળે સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી પ્રાપ્ત થઈ હતી તેમજ યોજનાઓના લાભ મેળવવા માટે જરૂરી માર્ગદર્શન અને સહાય પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
વલસાડ નગરપાલિકા દ્વારા આ “જન કલ્યાણ શિબિર” આગામી તા. ૧૯/૦૬/૨૦૨૬ના રોજ અબ્રામા ઝોન ઓફીસ ખાતે સવારે ૧૧ કલાકે યોજાનાર છે.
