વલસાડ જિલ્લામાં ૨૩, ૨૪,૨૫ જુન શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ અને કન્યા કેળવણી મહોત્સવ – ૨૦૨૬

હિન્દ ન્યુઝ, વલસાડ

   રાજયભરમાં તા. ૨૩ થી ૨૫ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાશે. જેની પુર્વ તૈયારીઓ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ બેઠક મળી હતી. જેમાં પ્રવેશોત્સવના સુચારૂ આયોજન, ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા તેમજ રાજ્યનું એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે ભાર મુકવામાં આવ્યો હતો.  

  વલસાડ જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ અને કન્યા કેળવણી મહોત્સવ માટે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં આંગણવાડી, બાળવાટિકા અને ધોરણ-૧ સુધી ૩૫૬૦૦ બાળકોનું નામાંકન કરવામાં આવશે. શાળા પ્રવેશોત્સવમાં મંત્રીશ્રીઓ, પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ જોડાશે. 

  કલેકટરાલય ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં કલેકટરશ્રી નીતિન સાંગવાને જણાવ્યું કે, બાળકો પ્રવેશ મેળવ્યા બાદ ડ્રોપ ન થાય તે માટે શિક્ષણ વિભાગ પ્લાનિંગ કરે. વિદ્યાર્થીઓ અભ્યાસ છોડયા પછી આઇટીઆઇ કરે છે કે, બીજી જગ્યાએ એડમિશન લે છે, તેની તમામ માહિતી એકત્રિત હોવી જોઇએ, જેથી કોઇ વચ્ચે અભ્યાસ છોડી દે તો તેની સાચી માહિતી મળી શકે. શકય હોય તો વિદ્યાર્થીઓના વાલીઓનો પણ સંપર્ક કરવો જોઇએ. 

  જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.વસાવાએ જણાવ્યું કે, વલસાડ જિલ્લામાં આંગણવાડીઓમાં ૧૫૬૭૯, બાળવાટિકામાં ૧૭૪૫૨ અને ધોરણ-૧ માં ૨૫૩૦ નવા પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન થશે. જયારે ધોરણ-૬માં ૩૧૩૧૯, ધોરણ-૯ માં ૩૦૧૦૨, ધોરણ-૧૧ માં ૨૪૧૯૪ બાળકોનું નામાંકન કરાશે. જિલ્લા પંચાયત હસ્તકની કુલ ૯૫૩ શાળાઓ છે.જેમાં સ્કુલ ઓફ એકસેલન્સની ૩૯૨ શાળાઓ છે. 

  જયારે ધોરણ-૨ થી ૧૨ માં જે બાળકો શાળા છોડી ગયા હતા. એવા બાળકોનો સર્વે કરીને, સમજાવીને ૩૦૬૦ જેટલા બાળકોને પુનઃ પ્રવેશ આપવામાં આવશે. 

  શાળા પ્રવેશોત્સવ માટે રૂટ નકકી કરવામાં આવ્યા છે. દરરોજ એક પ્રાથમિક શાળા અને બે માધ્યમિક/ઉચ્ચત્તર માધ્યિમિક શાળાને આવરી લેવાશે. શાળા પ્રવેશોત્સવ દરિમાયન નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના, મુખ્યમંત્રી જ્ઞાનસેતુ અને મુખ્યમંત્રી જ્ઞાનસાધના સ્કોલરશીપ યોજના હેઠળના વિદ્યાર્થીઓને સહાય સુનિશ્વિત કરવાની રહવાની રહેશે. બેઠકમાં અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment