હિન્દ ન્યુઝ, સુરત
જન-જન સુધી સરકારી સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચાડવા સુરતના ઉધના-હરિનગર ખાતે યોજાયેલી જનકલ્યાણ શિબિરમાં અનેક જરૂરિયાતમંદ લોકોએ યોજનાકીય લાભો એક સ્થળે, એક છત્ર હેઠળ મેળવ્યા હતા.
આ શિબિરમાં દીકરીઓના ભવિષ્યને આર્થિક સુનિશ્ચિતતા પ્રદાન કરતી ‘વ્હાલી દીકરી યોજના’નો લાભ મેળવતા ઉધના-ડીંડોલીમાં રહેતા વિજય પાટીલ અને તેમની પત્નીએ ખુશી વ્યકત કરી હતી. પિતા વિજય પાટીલે જણાવ્યું કે, આજના સમયમાં જ્યારે દુ:ખની ઘડીમાં પોતાના પણ સાથ છોડી દે, ત્યારે આ યોજના મારી દીકરીના ભવિષ્યને અત્યારથી જ સુરક્ષિત કરે છે. ૧૮ વર્ષે તેને મળનારી કુલ રકમ રૂ.૧.૧૦ લાખમાં નિર્વી પોતાની ઇચ્છા પ્રમાણેનું શિક્ષણ કે અન્ય કોઈ પ્રવૃત્તિ પણ કરી શકે છે. ખાસ કરીને આ યોજનાએ અમારા જેવા મધ્યમવર્ગીય પરિવારોને દીકરીની ભવિષ્યની ચિંતા દૂર કરી છે.
વ્હાલી દીકરી યોજનાની જેમ જ સરકારની બીજી શિક્ષણ, શિષ્યવૃત્તિ, લગ્ન જેવી અનેક યોજનાઓને કારણે અમારા જેવા કેટલાય ગરીબ કે મધ્યમ વર્ગીય માતા-પિતા હવે દીકરીના જન્મને આનંદનો અવસર ગણી વધાવી શકે છે. દીકરીના ભવિષ્યને સુનિશ્ચિત કરી તેને સક્ષમ બનાવતી આ યોજનાઓ ખરા અર્થમાં સ્ત્રીની સખી સમાન છે.
