મજુરા ITI ખાતે GSDM દ્વારા ‘ઇન્ડસ્ટ્રી-એકેડેમિયા આઉટરીચ પ્રોગ્રામ’ યોજાયો

હિન્દ ન્યુઝ, મજુરા 

      રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ મિશન દ્વારા સુરત આઈ.ટી.આઈ. ખાતે ‘ઇન્ડસ્ટ્રી-એકેડેમિયા આઉટરીચ પ્રોગ્રામ’ યોજાયો હતો. જેમાં કેન્દ્ર-રાજ્ય સરકારની કૌશલ્ય યોજનાઓ અને અન્ય કલ્યાણ યોજનાઓની સમજ અપાઈ હતી.

            આ સેમિનાર આઈ.ટી.આઈ.ના પ્રતિનિધિઓ અને GSDMના ઉચ્ચ અધિકારીઓએ રાજ્ય સરકાર દ્વારા યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે અમલમાં મૂકવામાં આવેલી વિવિધ કલ્યાણકારી અને કૌશલ્યલક્ષી યોજનાઓથી માહિતગાર કરાયા હતા. જેમાં રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી અભિયાન ‘નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન’ અંગે વિસ્તૃત માહિતી અપાઈ હતી. આ મિશન યુવાનોને આત્મનિર્ભર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે, ત્યારે ગુજરાત ઇન્ટર્નશિપ એન્ડ એપ્રેન્ટિસશિપ સ્કીમ, ‘નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન’ (NGKRM), ‘એપ્રેન્ટિસશિપ કાર્યક્રમ’ તેમજ ‘પીએમ-સેતુ’ (PM-SETU) જેવી યોજનાઓ અને અન્ય કૌશલ્ય વિકાસ કાર્યક્રમોના માળખા તથા તેનાથી થતા ફાયદાઓ, મળવાપાત્ર આર્થિક લાભો, તાલીમ અને રોજગારીની તકો વિશે યુવાનોને સમજ અપાઈ હતી.

            અધિકારીઓએ સહભાગી ઉદ્યોગગૃહોને અનુરોધ કર્યો હતો કે, તેઓ સરકારની આ યોજનાઓમાં સક્રિયપણે જોડાઈને મહત્તમ સહયોગ આપે. ઉદ્યોગોના સાથ-સહકારથી જ આ વિશિષ્ટ પહેલ હેઠળ રાજ્યના વધુમાં વધુ યુવાનો ગુણવત્તાયુક્ત કૌશલ્ય વિકાસ તાલીમ મેળવી શકશે અને તેમના માટે રોજગારીની નવી તકોનું સર્જન થશે.

           ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ અને ટ્રેનિંગ પ્રોવાઈડર્સે પોતાના વ્યાવહારિક પ્રશ્નો અને યોજનાઓને વધુ લોકભોગ્ય બનાવવાના ઉપયોગી સૂચનો રજૂ કર્યા હતા. સંબંધિત અધિકારીઓએ તમામ પ્રશ્નોનું ખૂબ જ સંતોષકારક નિરાકરણ લાવવાની સાથે સ્થાનિક ઉદ્યોગોની જરૂરિયાતોને અનુરૂપ આ યોજનાઓના વધુ અસરકારક અને પરિણામલક્ષી અમલીકરણ અંગે ચર્ચા કરી હતી. 

           આ પ્રસંગે કૌશલ્ય વિકાસ અને ગુજરાત ડેવલપમેન્ટ મિશનના નિયામક કે.જે. રાઠોડ (IAS), DSDના નાયબ નિયામક એન.પી. રાવલ, DSDના આસિસ્ટન્ટ ડિરેક્ટર એ.સી. પલાસ સહિત ઔદ્યોગિક ક્ષેત્ર અને શૈક્ષણિક સંસ્થાના અંદાજિત ૨૦૦થી વધુ ઉદ્યોગ પ્રતિનિધિઓ, એસો.ના હોદ્દેદારો અને ટ્રેનિંગ પ્રોવાઈડર્સ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment