હિન્દ ન્યુઝ, દાહોદ
ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે “૧૨ વર્ષ: વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના” થીમ અંતર્ગત દેશના સર્વાંગી વિકાસની અનેક સફળ ગાથાઓ ઉજાગર થઈ રહી છે. આ વિકાસયાત્રામાં દેશની વીજળી બચાવવા એક નવી પહેલ સમાન યોજના એટલે પ્રધાનમંત્રી સૂર્ય ઘર: મફત વીજળી યોજના.
ભારત સરકાર દ્વારા સામાન્ય નાગરિકોને સસ્તી અને સ્વચ્છ ઊર્જાનો લાભ મળે તેમજ વીજળીના ખર્ચમાં ઘટાડો થાય તે હેતુથી “પ્રધાનમંત્રી સૂર્ય ઘર: મફત વીજળી યોજના”નો પ્રારંભ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ કરાયેલી આ મહત્વાકાંક્ષી યોજના દ્વારા દેશભરના એક કરોડથી વધુ પરિવારોના ઘરોની છત પર સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ યોજના માત્ર વીજળીના બિલમાં રાહત પૂરતી મર્યાદિત નથી, પરંતુ હરિત ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપીને પર્યાવરણ સંરક્ષણમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે. આ યોજનાથી માત્ર પરિવારોને જ નહિ પરંતુ સમગ્ર દેશને પણ લાંબા ગાળે લાભ થશે. સોલાર ઊર્જાના વ્યાપક ઉપયોગથી પરંપરાગત ઊર્જા સ્ત્રોતો પરની નિર્ભરતા ઘટશે, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે અને પર્યાવરણને અનુકૂળ વિકાસને વેગ મળશે. ઉપરાંત સોલાર પેનલ ઉત્પાદન, સ્થાપન અને જાળવણી ક્ષેત્રે રોજગારીની નવી તકો પણ સર્જાશે.
પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનાનો મુખ્ય ઉદ્દેશ ઘરઆંગણે સૂર્ય ઊર્જા દ્વારા વીજળીનું ઉત્પાદન વધારવાનો છે. યોજનાના લાભાર્થીઓ પોતાના ઘરની છત પર સોલાર પેનલ સ્થાપિત કરીને દર મહિને સરેરાશ 300 યુનિટ સુધીની વીજળીનો લાભ મેળવી શકે છે. પરિણામે સામાન્ય પરિવારોના વીજળીના બિલમાં નોંધપાત્ર ઘટાડો થાય છે અને અનેક પરિવારો માટે વીજળીનું બિલ લગભગ શૂન્ય સુધી પહોંચી શકે છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપન માટે આકર્ષક સબસિડી આપવામાં આવે છે. એક કિલોવોટ ક્ષમતા માટે રૂ. ત્રીસ હજાર, બે કિલોવોટ સુધી રૂ.૬૦,૦૦૦ અને ત્રણ કિલોવોટ અથવા તેથી વધુ ક્ષમતા માટે મહત્તમ રૂ. ૭૮,૦૦૦ સુધીની સહાય આપવામાં આવે છે. સબસિડીની રકમ સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે, જેથી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે છે.
આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદાર ભારતીય નાગરિક હોવો જોઈએ અને તેના નામે રહેણાંક મકાન અને માન્ય વીજળી કનેક્શન હોવું આવશ્યક છે. અરજદારે કોઈ અન્ય રૂફટોપ સોલાર સબસિડી યોજનાનો અગાઉ લાભ લીધો ન હોવો જોઈએ. અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રાખવામાં આવી છે, જેથી લાભાર્થીઓ સરળતાથી નોંધણી કરી શકે.
