ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ જામનગર દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર

    સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ, જામનગર દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસ-૨૦૨૬ની ઉજવણી અંતર્ગત તા. ૨૦ મે થી ૫ જૂન ૨૦૨૬ દરમિયાન વ્યાપક જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પખવાડિયા દરમિયાન ૧૦૦થી વધુ વિવિધ પ્રવૃત્તિઓ યોજીને તમાકુ અને નિકોટિન ઉત્પાદનોના ઉપયોગથી થતા મોઢાના કેન્સર, હૃદયરોગ, ફેફસાંના રોગો તેમજ અન્ય ગંભીર આરોગ્ય સમસ્યાઓ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. સાથે જ, તમાકુ છોડવા ઇચ્છુક વ્યક્તિઓને નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અને વિશેષ સલાહકાર સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.

આ વર્ષની વિશ્વ તમાકુ નિષેધ દિવસની થીમ “Unmasking the Appeal – Countering Nicotine & Tobacco Addiction” ને કેન્દ્રમાં રાખીને તમાકુ ઉદ્યોગ દ્વારા યુવાનો અને કિશોરોને આકર્ષવા માટે અપનાવવામાં આવતી વિવિધ માર્કેટિંગ યુક્તિઓ, આકર્ષક પેકેજિંગ, ફ્લેવર અને ભ્રામક જાહેરાતો અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

અભિયાન દરમિયાન મૌખિક કેન્સર સ્ક્રિનિંગ કેમ્પ, જનજાગૃતિ કેમ્પ, પ્રદર્શનો, સેમિનાર, વર્કશોપ, કઠપૂતળી શો, નુક્કડ નાટકો, ઓરલ હેલ્થ કિટ વિતરણ, તમાકુ નિષેધ પરામર્શ તેમજ વિવિધ શૈક્ષણિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. નિષ્ણાત દંતચિકિત્સકો દ્વારા મોટી સંખ્યામાં નાગરિકોનું મૌખિક પરીક્ષણ કરીને તમાકુજન્ય રોગો તથા કેન્સર પૂર્વેની સ્થિતિઓ અંગે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અભિયાનની વિશેષ આકર્ષણરૂપ પ્રવૃત્તિ તરીકે “મારું ઘર તમાકુમુક્ત ઘર”પહેલ હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત “તંદુરસ્ત પરિવાર – તમાકુમુક્ત પરિવાર” જેવા પ્રેરણાદાયી સંદેશા ધરાવતા પોસ્ટર અને સ્ટીકરોનું વિતરણ કરવામાં આવ્યું હતું. નાગરિકોને પોતાના ઘરના મુખ્ય દરવાજા પર આ સ્ટીકર લગાવી તમાકુમુક્ત ઘરનો સંકલ્પ લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેને સમાજના વિવિધ વર્ગોમાંથી ખૂબ જ ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો હતો.

સમાજના તમામ સ્તરો સુધી આ સકારાત્મક સંદેશ પહોંચાડવા માટે ડેન્ટલ કોલેજ જામનગર દ્વારા રોટરી ક્લબ, ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) જામનગર શાખા, રિલાયન્સ ગ્રુપ, અરહમ યુવાસેવા ગ્રુપ તથા જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ સાથે સંયુક્ત રીતે વિવિધ આઉટરીચ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment