ભુજ (કચ્છ) સ્થિત શ્રી આર.આર. લાલન કોલેજના સહાયક પ્રાધ્યાપક ડૉ. અમીન સમા ઇબોલા પ્રભાવિત ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ફસાયા હતા અને તેમણે ગુજરાત સરકાર પાસે મદદ માંગી હતી
ગુજરાત સરકાર, એનએસજીએફ અને ભારતીય રાજદ્વારી મિશનોની ત્વરિત કાર્યવાહીના પરિણામે ડૉ. અમીન સમાને ભારત પરત ફરવા માટે જરૂરી કાનૂની મંજૂરીઓ મળી
“વિશ્વના કોઈપણ ખૂણે મુશ્કેલીમાં મુકાયેલા ગુજરાતીઓ અને ભારતીય નાગરિકોને શક્ય તેટલી સહાય પહોંચાડવાની અમારી પ્રતિબદ્ધતા છે. ગુજરાત રાજ્ય બિનનિવાસી ગુજરાતી ફાઉન્ડેશન, વિદેશ મંત્રાલય અને ભારતીય રાજદ્વારી મિશનોના સંકલિત પ્રયાસોથી અમે એક પડકારજનક આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં ફસાયેલા નાગરિકને સમયસર મદદ અને સહાયતા પૂરી પાડી શક્યા છીએ,” નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી*
હિન્દ ન્યુઝ, દાહોદ
ગુજરાત સરકારના ત્વરિત હસ્તક્ષેપથી ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (ડીઆરસી)ના ગોમા શહેરમાં લગભગ એક મહિનાથી ફસાયેલા ભુજ (કચ્છ)ના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. અમીન સમાને સુરક્ષિત રીતે વતન પાછા ફરવાનો માર્ગ મોકળો કરી આપ્યો છે.
ઇબોલા સંબંધી ચિંતાઓને કારણે રવાંડા અને કોંગો દેશની સરહદો પર લાગુ કરાયેલા પ્રતિબંધોને કારણે તેઓ ત્યાં ફસાઈ ગયા હતા.
ભારતીય નાગરિક અને ભુજની શ્રી આર.આર. લાલન કોલેજમાં સહાયક અદ્યાપક તરીકે ફરજ બજાવતા ડૉ. અમીન સમા 15 મે, 2026ના રોજ કિગાલી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મારફતે રવાંડા પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ બાળપણના મિત્રને મળવા કાયદેસર રીતે ડીઆરસીના ગોમા શહેરમાં પ્રવેશ્યા હતા અને ત્યાંથી તાન્ઝાનિયાની મુલાકાતે જવાનું આયોજન હતું. જોકે, માત્ર બે દિવસ બાદ ઇબોલા ફાટી નીકળવાની આશંકાને ધ્યાનમાં રાખીને રવાંડા સરકારે ડીઆરસી સાથેની સરહદ બંધ કરી દીધી, જેના કારણે તેઓ કિગાલી પરત ફરી શક્યા નહોતા.
અચાનક સરહદ બંધ થતાં ડૉ. સમાની મુસાફરીની યોજના ખોરવાઈ ગઈ અને 31 મેના રોજ ભારત પરત આવવાની તેમની નિર્ધારિત ફ્લાઇટ પણ ચૂકી ગયા.
ડૉ. અમીન સમાએ ભારત પરત ફરવા માટે મદદ મેળવવા નાયબ મુખ્યમંત્રીની કચેરીનો સંપર્ક કર્યો હતો અને મદદ માટે વિનંતી કરી હતી.
આ મામલો હર્ષ સંઘવીની કચેરીનાં ધ્યાન પર આવતા ફસાયેલા નાગરિકને યોગ્ય સહાય અને હસ્તક્ષેપ મળી રહે તે માટે તાત્કાલિક જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને સંબંધિત સત્તાધિકારીઓ સાથે સંકલન કર્યુ.
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ હેઠળ કાર્યરત એનઆરઆઈ ડિવિઝનની ગુજરાત રાજ્ય બિનનિવાસી ગુજરાતી ફાઉન્ડેશને (NSGF) તાત્કાલિક આ મામલો હાથમાં લીધો.
ફાઉન્ડેશને ઝડપથી ભારત સરકારના વિદેશ મંત્રાલય અને સંબંધિત ભારતીય રાજદ્વારી મિશનો સાથે સંકલિત પ્રયાસો શરૂ કર્યા. 10 જૂનના રોજ નવી દિલ્હી સ્થિત અધિકારીઓ તેમજ રવાંડા અને ડીઆરસી સંબંધિત બાબતો સંભાળતી ભારતીય દૂતાવાસોને રજૂઆતો મોકલવામાં આવી હતી. ડૉ. સમાના સુરક્ષિત માર્ગ માટેના તમામ વિકલ્પો શોધવા દૂતાવાસના અધિકારીઓ સાથે સતત સંપર્ક પણ જાળવવામાં આવ્યો હતો.
સમગ્ર સમયગાળા દરમિયાન ફાઉન્ડેશનના અધિકારીઓ ડૉ. સમા સાથે સતત સંપર્કમાં રહ્યા હતા, પરિસ્થિતિ પર નજર રાખી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જરૂરી પરવાનગીઓ અને મંજૂરીઓમાં વિલંબ ન થાય તે માટે વિદેશ મંત્રાલય અને દૂતાવાસના અધિકારીઓ સાથે સતત સંપર્ક રાખ્યો હતો.
આ દરમિયાન ડૉ. સમાએ સત્તાધિકારીઓને જાણ કરી હતી કે તેમણે કોઈપણ ઇબોલા પ્રભાવિત વિસ્તારની મુલાકાત લીધી નહોતી અને તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ તેમજ લક્ષણમુક્ત હતા. તેમણે રવાંડા, ડીઆરસી અથવા ભારતના સત્તાધિકારીઓ જરૂરી માને તેવી કોઈપણ તબીબી તપાસ, ક્વોરન્ટાઇન પ્રક્રિયા, ઇબોલા ટેસ્ટ, ઇમિગ્રેશન ચકાસણી અથવા અન્ય પ્રક્રિયાઓ માટે પણ તૈયારી દર્શાવી હતી.
18 જૂનની તેમની પુનઃનિર્ધારિત વતન પાછા ફરવાની ફ્લાઇટ નજીક આવતાં ફાઉન્ડેશને પોતાના પ્રયાસોને વધુ વેગ આપ્યો હતો અને અધિકારીઓ સાથે દિવસમાં અનેક વખત સંપર્ક સાધ્યો હતો. 16 જૂનના રોજ દૂતાવાસના અધિકારીઓ સાથે થયેલી વધુ ચર્ચાઓમાં ખાતરી આપવામાં આવી હતી કે આ મામલો રવાંડામાં સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા સક્રિયપણે સંભાળવામાં આવી રહ્યો છે અને જરૂરી પ્રક્રિયાઓ આગળ વધી રહી છે.
સતત પ્રયાસોના પરિણામે આખરે સકારાત્મક સફળતા મળી હતી. 17 જૂનના રોજ ડૉ. સમાને ટ્રાન્ઝિટ અને ભારત પરત ફરવા માટે જરૂરી તમામ કાનૂની મંજૂરીઓ અને પરવાનગીઓ મળી ગઈ હતી, જેના કારણે 18 જૂનના રોજ તેમની સુરક્ષિત વતન વાપસીનો માર્ગ મોકળો બન્યો હતો.
મંજૂરી મળ્યા બાદ ડૉ. સમાએ આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “મને હમણાં જ મુસાફરી માટેની પરવાનગી મળી છે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન આપેલા સહયોગ અને મદદ બદલ હું હૃદયપૂર્વક આભારી છું. આ મુશ્કેલ સમયમાં આપની સહાય મારા માટે અત્યંત મહત્વપૂર્ણ રહી છે અને આપના પ્રયાસો તથા ઉદારતાને હું હંમેશા કૃતજ્ઞતાપૂર્વક યાદ રાખીશ.”
આ કેસનો સફળ ઉકેલ વિદેશમાં મુશ્કેલીમાં મુકાયેલા ગુજરાતીઓ અને ભારતીય નાગરિકોના કલ્યાણ માટે ગુજરાત સરકારની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.
“મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વિશ્વના કોઈપણ ખૂણે મુશ્કેલીમાં મુકાયેલા ગુજરાતીઓ અને ભારતીય નાગરિકોને શક્ય તેટલી સહાય પહોંચાડવાની અમારી પ્રતિબદ્ધતા છે. ગુજરાત રાજ્ય બિનનિવાસી ગુજરાતી ફાઉન્ડેશન, વિદેશ મંત્રાલય અને ભારતીય રાજદ્વારી મિશનોના સંકલિત પ્રયાસોથી અમે એક પડકારજનક આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં ફસાયેલા નાગરિકને સમયસર મદદ અને સહાયતા પૂરી પાડી શક્યા છીએ.” નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.
ગુજરાત રાજ્ય બિનનિવાસી ગુજરાતી ફાઉન્ડેશને પણ વિશ્વભરના ગુજરાતીઓ અને ભારતીય નાગરિકોને માર્ગદર્શન, સંકલન અને કટોકટીની પરિસ્થિતિમાં સહાયતા આપવાની પોતાની પ્રતિબદ્ધતા પુનઃદૃઢ કરી હતી.
