હિન્દ ન્યુઝ, જામનગર
દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૧૨ વર્ષના સફળ, ભવ્ય અને જનકલ્યાણલક્ષી કાર્યકાળ પૂર્ણ થવાના ગૌરવશાળી અવસરે જામનગર જિલ્લામાં યોજાઈ રહેલી “વિશેષ સ્વચ્છતા ઝુંબેશ” અંતર્ગત આજે એક શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગરના ઐતિહાસિક રણમલ તળાવ ખાતે જંગલેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આયોજિત આ સ્વચ્છતા અભિયાનમાં રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ ઉપસ્થિત રહી નગરજનો સાથે શ્રમદાન કર્યું હતું અને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે મંત્રી રિવાબા જાડેજાએ વડાપ્રધાનને જામનગરની ટીમ અને જનતા વતી હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના ગતિશીલ નેતૃત્વમાં છેલ્લા ૧૨ વર્ષથી દેશ ‘વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણ’ના પથ પર આગળ વધી રહ્યો છે. આજે ભારત દેશ વિકસિત રાષ્ટ્ર બનવા તરફ મક્કમ કદમ ભરી રહ્યો છે ત્યારે જામનગરની જનતાને મારી હૃદયપૂર્વકની અપીલ છે કે, સ્વચ્છતા એ માત્ર કોઈ એક દિવસ પૂરતો સીમિત કાર્યક્રમ નથી, પરંતુ વર્ષના ૩૬૫ દિવસ સતત ચાલતી પ્રક્રિયા છે. જેમ આપણને આપણું ઘર સ્વચ્છ રાખવું ગમે છે, તેમ આપણી શેરી, મહોલ્લો, જિલ્લો અને સમગ્ર રાજ્ય સ્વચ્છતા તરફ અગ્રેસર થાય તે માટે આપણે જાગૃત નાગરિક તરીકે મોરલ રિસ્પોન્સિબિલિટી સ્વીકારવી પડશે.

મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાત છેલ્લા બે દાયકાથી દેશમાં ‘મોડલ સ્ટેટ’ તરીકે પથદર્શક રહ્યું છે અને આદરણીય મુખ્યમંત્રીના નેતૃત્વમાં ‘વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત’ની પરિકલ્પના સાકાર થઈ રહી છે. પ્રાકૃતિક સંવર્ધન અને ક્લાઈમેટ ચેન્જ જેવા વૈશ્વિક વિષયોમાં પણ ગુજરાત અગ્રેસર રહ્યું છે. વડાપ્રધાનએ હંમેશા પરિવારના એક મોભીની જેમ સામાન્ય નાગરિકની ચિંતા કરી છે. ગરીબો, વંચિતો, ખેડૂતો અને માતૃશક્તિ-યુવા શક્તિ જેવા ચાર મજબૂત સ્તંભોને કેન્દ્રમાં રાખીને આવાસ યોજના, મફત અનાજ-રાશન, કન્યા કેળવણીને પ્રોત્સાહન અને શાળા પ્રવેશોત્સવ જેવા પ્રકલ્પો થકી દેશનું સફળ સુકાન સંભાળ્યું છે.
આ સફાઈ અભિયાનના અવસરે જામનગર શહેરના મેયર મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી, દંડક અમર મોદી તેમજ અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
