હિન્દ ન્યુઝ, જામનગર
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના ૧૨ વર્ષના સફળ, ભવ્ય અને ગૌરવશાળી કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે સમગ્ર જામનગર જિલ્લામાં આગામી તારીખ ૦૫ જૂનથી ૨૧ જૂન, ૨૦૨૬ દરમિયાન વિવિધ જનકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, ગાંધીનગરના “સ્વચ્છ ગામ થકી સ્વચ્છ જિલ્લા, સ્વચ્છ રાજ્ય અને સ્વચ્છ દેશ” ના સંકલ્પને સાકાર કરવા માટે જામનગર જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં એક સપ્તાહ માટે “વિશેષ સ્વચ્છતા ઝુંબેશ” હાથ ધરવામાં આવી છે. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રીના ગતિશીલ નેતૃત્વ હેઠળ રાજ્યમાં વિકાસના નવા આયામો સિદ્ધ થયા છે, ત્યારે નાગરિકોના સર્વાંગી સ્વાસ્થ્ય, સુખાકારી અને “આદર્શ ગ્રામ પંચાયત”ની વિભાવનાને ચરિતાર્થ કરવા માટે લોક-ભાગીદારી થકી આ સ્વચ્છતા અભિયાન વધુ સક્રિય, વ્યાપક અને પરિણામલક્ષી બને તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા આ વિશેષ આયોજન કરાયું છે.
આ વિશેષ સપ્તાહ અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા સમગ્ર જામનગર જિલ્લામાં તારીખ વાઇઝ વૈવિધ્યસભર જાગૃતિ અને સફાઈલક્ષી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં અભિયાનના પ્રથમ દિવસે તા. ૦૮ જૂનના રોજ વિવિધ શહેરો અને ગામોમાં સાયકલ રેલી, બાઇક રેલી તેમજ પદયાત્રા દ્વારા વ્યાપક જનજાગૃતિ કેળવીને આ ઝુંબેશનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તા. ૦૯ જૂનના રોજ ‘પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય/શહેરી દિવસ’ અંતર્ગત સઘન પ્લાસ્ટિક સફાઈ અભિયાન હાથ ધરી સિંગલ યુઝ પ્લાસ્ટિકના નિકાલ અંગે લોકજાગૃતિ કેળવવામાં આવી હતી.
જ્યારે તા. ૧૦ જૂનના રોજ આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને જામનગર જિલ્લાના તમામ મહત્વના જળાશયો, તળાવો અને ખુલ્લા પ્લોટોની સઘન સફાઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ગામના તળાવ, નદી કિનારા, મુખ્ય જળાશયો અને સરકારી કે ખાનગી ખુલ્લા પ્લોટોમાં એકત્રિત થયેલ કચરો તેમજ બિનજરૂરી ઝાંખરા-ઝાડીઓની વ્યાપક સફાઈ કરવામાં આવી છે.
ચોમાસા દરમિયાન રોગચાળો ન ફેલાય તે હેતુથી પાણીના ભરાવા વાળા સ્થાનો અને હેન્ડપંપની આસપાસ જમા થયેલા પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો, તેમજ મચ્છર ઉત્પત્તિ અટકાવવાના ભાગરૂપે સઘન દવા છંટકાવ સહિતના જરૂરી પગલાં વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવ્યા હતા.
