૧ જૂન ‘વિશ્વ દૂધ દિવસ’

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

પશુપાલન થકી દર મહિને રૂ.૧.૧૦ લાખની મકબલ આવક મેળવતા ભારતીબેન રાઠવા

     શ્વેતક્રાંતિના આધારસ્તંભ પશુપાલકો છે. છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી પરિવારો માટે પશુપાલન વર્ષોથી માત્ર આજીવિકાનું સાધન નથી, પણ આર્થિક સદ્ધરતાનો મજબૂત આધાર રહ્યું છે. ખાસ કરીને અહીંના અંતરિયાળ વિસ્તારોમાં શ્વેત ક્રાંતિનો મોરચો ગ્રામીણ મહિલાઓએ સંભાળ્યો છે. ૧લી જૂન “વિશ્વ દૂધ દિવસ” ની થીમ “Celebrating Women Farmers” પશુપાલન કરી આત્મનિર્ભર બનેલી મહિલાઓને સન્માનિત કરવી. છોટાઉદેપુર જિલ્લામાં મહિલા સશક્તિકરણનું આવું જ એક અદભુત અને પ્રેરણાદાયી ઉદાહરણ છોટાઉદેપુર તાલુકાના જલોદા ગામના ભારતીબેન નરેન્દ્રભાઇ રાઠવાએ પૂરું પાડ્યું છે.

મૂળ ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા ભારતીબેન રાઠવા સાથેની મુલાકાતમા પોતાના પશુપાલનની શરૂઆત વિશે જણાવતા કહ્યું કે, મે પશુપાલનને વ્યવસાય તરીકે અપનાવવાની શરૂઆત વર્ષ ૨૦૧૮માં કરી હતી. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી લોન મેળવીને ૫ ગાય ખરીદી હતી. આ ગાયોની સારી સાર સંભાળ કરતા આવક વધી તેથી થોડી બચત કરી અને બીજી ગાયો અને ભેંસો લેવાનું વિચાર્યું. બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકમાંથી બીજી લોન લીધી. આમ આજે મારી પાસે ૫ ગાય અને ૫ ભેંસ મળીને કુલ ૧૦ પશુઓનું સમૃદ્ધ પશુધન છે.

પશુપાલનમાં પશુઓની સારસંભાળ એ સૌથી મહત્ત્વનું પાસું છે. ભારતીબેન ગાયો અને ભેસોની માવજતની વાત કરતા કહે છે કે, “હું રોજ સવારે ૬ વાગ્યે ઊઠીને ગાય-ભેંસોને દોહવાનું અને સમયસર ચારો આપવાનું કામ કરું છું. પશુઓ સારુ દૂધ આપે તે માટે દાણમાં મકાઈનું ખોળ, બરોડા દાણ, કપાસિયા ખોળ અને કેલ્શિયમ આપું છું. જ્યારે લીલા ઘાસચારામાં બાજરીનો લીલો ચારો તથા સૂકા ચારામાં મસૂર અને મકાઈનું ભૂસું આપું છું. આ પૌષ્ટિક આહારના કારણે જ દૂધનું ઉત્પાદન અને તેની ગુણવત્તા સતત જળવાઈ રહે છે.”. ગાયો અને ભેંસોના તબેલાની સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપુ છું જેથી પશુઓ સ્વસ્થ રહે.

પશુપાલનના વ્યવસાયમાથી મળતી આવકની વાત કરતા તેમણે કહ્યું કે, વર્ષ ૨૦૧૮માં મહિનામાં અંદાજે ૧ લાખનું દૂધ ઉત્પાદન થતું અને ખર્ચ બાદ કરતાં રૂ.૩૫,૦૦૦ થી રૂ.૪૦,૦૦૦નો ચોખ્ખો નફો મળતો હતો. આજે તેમની ગાયો-ભેંસો મળીને રોજનું આશરે ૧૦૦ લીટર જેટલું ગુણવત્તાસભર દૂધ આપે છે. હાલ તેમની ભેંસના દૂધમાં ૭.૦ ફેટ આવે છે, જે દૂધનો ભાવ રૂ.૫૯ પ્રતિ લીટર અને ગાયના દૂધમાં ૪.૫ ફેટ આવે છે, જેનો ભાવ રૂ.૩૫ પ્રતિ લીટર મળે છે. આ વ્યવસાય થકી તેઓ દર મહિને રૂ.૧,૧૦,૦૦૦ની મકબલ આવક મેળવી રહ્યા છે. આજે તેમની શ્રેષ્ઠ માવજતને કારણે પશુઓ રોજનું આશરે ૧૦૦ લીટર જેટલું ઊંચી ગુણવત્તાવાળું દૂધ આપે છે.

પશુપાલની આવકમાથી તેમના દીકરાઓને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું. એક સમયે દૂધના સામાન્ય કેન સાથે શરૂ થયેલી એક આદિવાસી મહિલાની આ સફર આજે ગૌરવપૂર્ણ આત્મનિર્ભરતાના શિખરે પહોંચી છે.

Related posts

Leave a Comment