હિન્દ ન્યુઝ, સુરત
ઓરો યુનિવર્સિટીમાં તા.૧ અને ૨ મે દરમિયાન આયોજિત બે દિવસીય ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ- દક્ષિણ ગુજરાત’નું આજે સમાપન થયું. આ કોન્ફરન્સ દરમિયાન રૂ.૩,૫૩,૩૦૬ લાખ કરોડના ૨૭૯૨ એમ.ઓ.યુ. થયા હોવાની જાહેરાત નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ કરી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી. નડ્ડાએ સમાપન સત્રમાં જણાવ્યું હતું કે, આ કોન્ફરન્સ દ્વારા દક્ષિણ ગુજરાતના વિકાસ માટે જે પાયો નંખાયો છે, તેનાથી આ પરિક્ષેત્ર આગામી સમયમાં મોટી આર્થિક છલાંગ લગાવવા તૈયાર થયો છે એમ જણાવી શ્રી નડ્ડાએ ગુજરાતની આર્થિક તાકાતને બિરદાવતા ઉમેર્યું કે, ગુજરાત દેશની કુલ જીડીપીમાં ૮% ફાળો આપે છે. મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં ૧૭%, મર્ચેન્ડાઈઝ એક્સપોર્ટમાં ૨૭% અને દેશના કુલ કાર્ગો હેન્ડલિંગમાં ગુજરાત ૪૦% હિસ્સો ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતે માત્ર આર્થિક પ્રગતિ જ નથી કરી, પરંતુ સ્વબળે વિશ્વના એક સ્પર્ધાત્મક અને કનેક્ટેડ ઈકોનોમિક એન્જિન તરીકે પ્રસ્થાપિત કરી છે.
