હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ જિલ્લામાં ચોરીઓના બનાવ અવાર-નવાર બનતા હોય, જે બનાવોમાં ઘણા કિસ્સાઓમાં ચોરી કરનાર ઇસમો ચોરેલી ચીજવસ્તુઓ ભંગારની લે-વેચ કરતાં વેપારીઓને સસ્તા ભાવે વેચી દેતા હોય છે. અને તપાસ દરમિયાન ભંગારનો લે-વેચનો ધંધો કરતાં વેપારીઓનો સંપર્ક ક૨તાં ભંગારની લે-વેચ કરતાં વેપારીઓ પાસે ભંગાર વેચવા આવેલ કે, ખરીદ કરનારની કોઇ વિગત મળતી નથી કે, તેઓ દ્રારા આવા કોઈ રજીસ્ટરો નિભાવવામાં આવતા નથી. જેથી ચોરી કરનાર ગુન્હેગારો સુધી પોલીસ સહેલાઇથી પહોંચી શકતી નથી. જેથી બોટાદ જિલ્લામાં આવા ભંગારની લે-વેચ ક૨તાં વેપારીઓએ ભંગાર વેચવા આવનાર તેમજ ખરીદનાર વ્યક્તિના નામ, સરનામાં તથા આઇ.ડી.પ્રુફ સાથેની સંપુર્ણ વિગત દર્શાવતુ રજીસ્ટર રાખવુ જરૂરી છે. જેથી પોલીસ વિભાગને જરૂર પડે ત્યારે સંપુર્ણ વિગત મળી ૨હે અને આરોપી સુધી સહેલાઈથી પહોંચી શકાય, જેથી બોટાદ જીલ્લા વિસ્તારમાં ભંગારની લે-વેચ કરતાં વેપારીઓએ નમુના મુજબનું કોલમ વાઈઝ રજીસ્ટર નિભાવવામાં આવે તે જરૂરી છે.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બોટાદ દ્વારા ભા૨તીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩થી બોટાદ જિલ્લામાં ભગા૨નો લે વેચ ક૨તા વેપારીઓએ યોગ્ય વિગતો સાથેનું ૨જીસ્ટર ફરજીયાત નિભાવવાનું રહેશે તથા ભંગારની લે વેચ ક૨તાં ખરીદનાર તથા વેચનાર વ્યક્તિનાં નામ, સરનામાં તથા આઈ.ડી. પ્રૂફ મેળવી પોતાની પાસે રાખવાના રહેશે અને યોગ્ય સત્તાધિકારી અથવા પોલીસ અધિકારી જોવા માગે ત્યારે બતાવવાના રહેશે.
રજીસ્ટરમાં જરૂરી વિગતો આ મુજબ હોવી જોઈએ. ભંગારનો પ્રકાર/વર્ણન તથા અન્ય વિગત, ભંગાર જેની પાસેથી ખરીદેલ હોય તેનુ નામ, સરનામુ, એક આઈ.ડી.પ્રુફ તથા તેનો તાજેત૨નો ફોટો, ભંગાર જેને વેચેલ હોય તેનુ નામ, સ૨નામું, એક આઇ.ડી.પ્રુફ તથા તેનો તાજેતરનો ફોટો રહેશે.
આ જાહેરનામું તા.૨૨/૦૪/૨૦૨૬ થી તા.૨૦/૦૬/૨૦૨૬ સુધી (૨-માસ બંને દિવસો સહિત) સુધી અમલમાં આ જાહેરનામાનો કોઈ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર કે મદદ ક૨ના૨ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ સજાને પાત્ર થશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલ પગલા લેવા માટે કોઈપણ હેડ કોન્સ્ટેબલ તથા તેના ઉપરના અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે.
