હિન્દ ન્યુઝ, દાહોદ
ભારત સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન માટે લઘુત્તમ ટેકાના ભાવ તરીકે બાજરી માટે રૂ. ૨૭૭૫ પ્રતિ ક્વિન્ટલ, જુવાર (માલદંડી) માટે રૂ. ૩૭૪૯ પ્રતિ ક્વિન્ટલ, જુવાર (હાઈબ્રીડ) માટે રૂ. ૩૬૯૯ પ્રતિ ક્વિન્ટલ અને મકાઈ માટે રૂ. ૨૪૦૦ પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યા છે. ઉપરાંત ખેડૂતોને વધુ લાભ મળે તે માટે બાજરી અને જુવારની ખરીદી પર રૂ. ૩૦૦ પ્રતિ ક્વિન્ટલનો વધારાનો બોનસ પણ આપવામાં આવશે.
ખેડૂતોને તેમના ઉત્પાદનનો યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુસર આ ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. મારફતે રાજ્યભરમાં કરવામાં આવશે.
નોંધણી પ્રક્રિયા: બાજરી, જુવાર અને મકાઈ વેચવા ઇચ્છુક ખેડૂતો માટે ઓનલાઇન નોંધણી તા. ૦૧/૦૪/૨૦૨૬ થી ૩૦/૦૪/૨૦૨૬ દરમિયાન ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે કરવામાં આવશે. નોંધણી માટે ખેડૂત ખાતેદારનું બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફરજિયાત રહેશે.
ખરીદી સમયગાળો: ખેડૂતો પાસેથી પાકની ખરીદી તા. ૦૧/૦૫/૨૦૨૬ થી ૧૫/૦૭/૨૦૨૬ સુધી કરવામાં આવશે. નોંધણી કરાવેલ ખેડૂતોને ખરીદી અંગેની માહિતી SMS મારફતે આપવામાં આવશે.
જરૂરી દસ્તાવેજો: નોંધણી સમયે આધાર કાર્ડની નકલ, તાજેતરનો ગામ નમૂનો, ૭/૧૨ અને ૮-અના ઉતારા, પાક વાવણીની નોંધ (અથવા તલાટીની સહી-સિક્કાવાળો દાખલો), તેમજ બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક રજૂ કરવો જરૂરી રહેશે.
ખરીદી વખતે ખેડૂતે પોતાનું આધાર કાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે અને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન બાદ જ ખરીદી કરવામાં આવશે. ખોટા દસ્તાવેજો નોંધણીમાં અપલોડ થયેલા જણાશે તો સંબંધિત અરજી રદ કરવામાં આવશે.
રાજ્યના તમામ ખેડૂત મિત્રો ને અપીલ કરવામાં આવે છે કે તેઓ લઘુતમ ટેકાના ભાવે પોતાના પાકનું વેચાણ કરવા સમયમર્યાદામાં નોંધણી કરાવે અને યોજનાનો લાભ લે.
હેલ્પલાઇન: નોંધણી અંગે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૧૭૭૧૮ અને ૮૫૧૧૧૧૭૭૧૯ પર સંપર્ક કરી શકાય છે એમ નાયબ જિલ્લા મેનેજર ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા લિમિટેડ દાહોદ દ્વારા જણાવાયુ છે.

