ગાંધીનગરના ખેડૂતે છાણિયા ખાતરના જોરે ખેતીમાં સર્જ્યો ચમત્કાર!”

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

      કહેવાય છે કે “ખેતી એ ખોટનો સોદો છે”, પરંતુ ગાંધીનગરના માણસા તાલુકાના એક પ્રગતિશીલ ખેડૂતે આ વાતને ખોટી સાબિત કરી દીધી છે. ખેતીમાં જ્યારે કુદરત રૂઠે કે જીવાતનો કહેર વધે ત્યારે મોટાભાગના ખેડૂતો હિંમત હારી જતા હોય છે. ગત વર્ષે ફલાવરની ખેતીમાં મોટું આર્થિક નુકસાન સહન કરનાર શ્રી સેધાજી મંગાજી ઠાકોરે હાર માનવાને બદલે પોતાની ખેતી કરવાની પદ્ધતિમાં જ ધરમૂળથી ફેરફાર કરવાનું નક્કી કર્યું.

    રાસાયણિક ખાતરો અને મોંઘી દવાઓના ચક્રવ્યૂહમાંથી બહાર નીકળીને તેમણે પરંપરાગત “છાણિયા ખાતર” અને કુદરતી માવજતનો માર્ગ અપનાવ્યો. આજે તેમના ખેતરમાં લહેરાતા સફેદ દૂધ જેવા ફુલાવર અને સમૃદ્ધ વરિયાળીનો પાક માત્ર તેમની મહેનત જ નહીં, પણ બદલાયેલી કિસ્મતની પણ ગવાહી આપી રહ્યા છે. એક સામાન્ય ખેડૂતે પોતાની કોઠાસૂઝથી નિષ્ફળતાને સફળતાના શિખરમાં ફેરવી દીધી.

   ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ધોળાકુવા ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી સેધાજી મંગાજી ઠાકોર માટે ગત વર્ષ ખેતીમાં કપરૂં સાબિત થયું હતું. તેમની ફુલાવરની ખેતીમાં જીવાત અને અન્ય રોગોને કારણે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. સમગ્ર પરિવારના અમૂલ્ય પરિશ્રમ છતાં લગભગ રૂ. ૪૦,૦૦૦ જેટલું આર્થિક નુકસાન થતા તેઓ નિરાશ થયા હતા, પરંતુ હિંમત હાર્યા વગર તેમણે આ વર્ષે ખેતીની પદ્ધતિમાં બદલાવ લાવવાનો નિર્ણય કર્યો. 

      આ વર્ષે સેધાજીએ રાસાયણિક ખાતરોને બદલે શુદ્ધ છાણિયા ખાતર (દેશી ખાતર) પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે, ગત વર્ષે જીવાતનો ઉપદ્રવ ખૂબ વધી ગયો હતો, પરંતુ આ વર્ષે છાણિયા ખાતરના પ્રયોગથી જમીનની ફળદ્રુપતા વધી છે અને પાક એકદમ સ્વસ્થ છે. તેમના પત્ની હંસાબેને પણ આ વાતને સમર્થન આપતા જણાવ્યું કે, કુદરતી ખાતરના ઉપયોગથી ખેતી ખર્ચમાં ઘટાડો થયો છે અને પાકની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. 

       હાલમાં તેમના ખેતરમાં ફલાવર, કોબીજ અને વરિયાળીનો પાક લહેરાઈ રહ્યો છે. ફલાવરના દડા એકદમ સફેદ અને મોટા કદના છે. વરિયાળીનો પાક પણ ખૂબ જ સારો ઉતર્યો છે. ખેડૂત પરિવાર દ્વારા જાતે જ લણણી કરીને પાકને બજારમાં મોકલવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગત વર્ષના નુકસાનની સામે આ વર્ષે તેમને મબલખ નફાની આશા છે. પાકની ગુણવત્તા જોઈને વેપારીઓમાં પણ આ માલની સારી માંગ જોવા મળી રહી છે. 

     સેધાજીની આ સફળતા અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ છે. તેઓ માને છે કે જો જમીનને પૂરતું પોષણ મળે અને કુદરતી પદ્ધતિ અપનાવવામાં આવે, તો ખેતી ક્યારેય ખોટનો સોદો નથી બનતી. રાસાયણિક દવાઓના અતિશય ઉપયોગને બદલે દેશી ખાતર અને સમયસરની માવજત પાકને જીવાતથી બચાવે છે. આ સફળતા પાછળ ખેડૂત પરિવારની સખત મહેનત અને હકારાત્મક અભિગમ રહેલો છે. આજે તેઓ પોતાના ખેતરમાં લહેરાતા પાકને જોઈને અત્યંત ખુશ અને સંતુષ્ટ છે.

Related posts

Leave a Comment