હિન્દ ન્યુઝ, વડોદરા
આઈ.ટી.આઈ તરસાલી ખાતે રોજીંદી શિક્ષણને કૌશલ્ય વિકાસ સાથે જોડવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં રૂપે, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ મંત્રાલયની માર્ગદર્શિકાઓ અનુસાર વર્ષ ૨૦૨૫માં વિવિધ ટ્રેડમાં સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓ માટે “કૌશલ્ય દિક્ષાન્ત સમારોહ” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કુલ ૧૭૨૦ તાલીમાર્થીઓને નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા, તેમજ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
સમારોહના મુખ્ય અતિથિ તરીકે સ્નાઇડર કંપનીના સિનિયર જનરલ મેનેજર રીતેશ ઓઝા, એચઆર વિભાગના જયેશ કપાડી, તેમજ ગોદરેજ કંપનીના ડેપ્યુટી મેનેજર પ્રીતેશ વાળંદ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સંસ્થાનાં આચાર્ય વર્ગ-૧ શ્રી એ.આર. શાસ્ત્રી, આચાર્ય વર્ગ-૨ વાય.વી. પટેલ, સંસ્થાનો શિક્ષક વર્ગ તથા તાલીમાર્થીઓની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી.
કાર્યક્રમ દરમિયાન તાલીમાર્થીઓ અને સ્ટાફ દ્વારા નવી દિલ્હી ખાતે યોજાયેલા રાષ્ટ્રીય સ્તરના “કૌશલ્ય દિક્ષાન્ત સમારોહ” નું જીવંત પ્રસારણ પણ નિહાળવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ૩૭ ટ્રેડનાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા કુલ ૧૧૧ પાસઆઉટ તાલીમાર્થીઓને મહાનુભાવોના હસ્તે મેડલ તથા નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
