હિન્દ ન્યુઝ, વલસાડ
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ, ગુજરાત સરકાર અંતર્ગત કાર્યરત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૫માં જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ૭૫ સ્થળોએ ૩૦ દિવસીય રીઝલ્ટ ઓરીએન્ટેડ મેદસ્વિતા મુક્તિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અભિયાનના ભાગરૂપે વલસાડના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તથા વાપીના અંબામાતા મંદિર પરિસરમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લાનાં યોગ કોઓર્ડીનેટર પ્રિતીબેન વૈષ્ણવે જણાવ્યું કે, ૩૦ દિવસીય આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ લોકોને યોગ અને યોગ્ય આહાર દ્વારા મેદસ્વિતા ઘટાડવા વિશે માર્ગદર્શન આપવાનો છે. તન અને મનનો ભાર ઉતારી લોકોને તંદુરસ્ત અને આનંદમય જીવન જીવવા પ્રેરણા મળે એવો સંકલ્પ કરાવવાનો છે. આ કેમ્પ તા. ૧૭ સપ્ટેમ્બર થી ૧૬ ઓક્ટોબર, ૨૦૨૫ એમ ૩૦ દિવસ સુધી રોજ સવારે ૬:૦૦ થી ૭: ૩૦ કલાક સુધી વલસાડના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે અને સવારે ૫:૩૦ થી ૭:૩૦ સુધી વાપીના અંબામાતા મંદિર પરિસર ખાતે આયોજિત કરવામાં આવ્યો છે, જેનું સંપૂર્ણ સંચાલન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવકશ્રી શીશપાલ રાજપૂતના કુશળ માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા યોગ બોર્ડના કર્મનિષ્ઠ અને સેવાભાવી યોગ કોચ અને ટ્રેનર્સ દ્વારા થશે.
યોગ અને આહાર સંબંધિત જાણકારી દ્વારા મેદસ્વિતા દૂર કરવા માટે સ્થાનિક નાગરિકોને આ કેમ્પમાં જોડાઈ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને મેદસ્વિતાથી મુક્ત થવા માટે આહવાન કરાયું છે. આ કેમ્પમાં વધુમાં વધુ નાગરિકોએ જોડાવા માટે રજિસ્ટ્રેશન લીંકઃ https://forms.gle/JpEzUTWATiWsMP6y6 ઉપર જરૂરી વિગતો સાથે પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. આ કેમ્પ માટે ટોકન ફી રૂ. ૩૦૦ રાખવામાં આવી છે. વધુ માહિતી માટે જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર પ્રિતીબેન વૈષ્ણવનો મો. ૯૯૯૮૨૧૩૧૪૯નો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.
