અમદાવાદ ખાતે નવનિર્મિત અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આતંરરાષ્ટ્રીય કક્ષાના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, અમદાવાદ

     કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે અમદાવાદ ખાતે નવનિર્મિત અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આતંરરાષ્ટ્રીય કક્ષાના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવિયા, રાજ્યના મંત્રીઓ, અન્ય મહાનુભાવો તેમજ વિશાળ સંખ્યામાં ખેલપ્રેમી નગરજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

     કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીએ દેશના ખેલાડીઓને વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ અર્પણ કરતાં જણાવ્યું હતું કે, અહીં જે પણ ખેલાડી રમવા આવશે તે પોતાના માટે નહીં, પરંતુ તેના દેશ માટે મેડલ જીતવાની આશા સાથે આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં ખેલાડીઓ માટે વર્લ્ડ-કલાસ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, તાલીમ, પારદર્શિતા સાથેની સિલેક્શન સિસ્ટમ, ઉત્કૃષ્ટ ખેલાડીઓને વિશ્વ રમતોમાં દેશના પ્રતિનિધિત્વની તક જેવા મોટા બદલાવો સ્પોર્ટ્સ ક્ષેત્રે આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

     મુખ્યમંત્રી આ અવસરે જણાવ્યું હતું કે, અમદાવાદને આજે વિશ્વ કક્ષાના સ્પોર્ટ્સ સંકુલની મળેલ ભેટ ગુજરાતને રમતગમત ક્ષેત્રે નવી દિશા આપશે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘વિકાસ ભી, વિરાસત ભી’ના વિઝન સાથે આપણી પ્રાચીન ખેલ સંસ્કૃતિને આધુનિક સમય સાથે આધુનિક ઓપ આપ્યો છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીના માર્ગદર્શન હેઠળ ઓલિમ્પિક-2036 તેમજ કોમનવેલ્થ ગેમ્સ-2030 જેવા આંતરરાષ્ટ્રીય રમતોત્સવની યજમાની માટે અમદાવાદ સમર્થ બન્યું હોવાનું ગૌરવ વ્યક્ત કરતાં મજબૂત સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમથી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવાની નેમ વ્યક્ત કરી હતી.

   કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી તેમજ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ ₹825 કરોડના ખર્ચે નિર્માણ પામેલ રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓના આયોજન માટે સંપૂર્ણ સુવિધાઓ ધરાવતા વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની વિવિધ ફેસિલિટીઝનું નિરીક્ષણ કર્યું હતું.

Related posts

Leave a Comment