હિન્દ ન્યુઝ, બોટાદ
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ યોજવાનું જાહેર કરેલ છે. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અન્વયે રાજકીય પક્ષો, ઉમેદવારો તેમજ તેમના કાર્યકરો દ્વારા આદર્શ આચારસંહિતા તથા ચૂંટણી કાયદાનો ભંગ થતો હોય તેવી જાહેરાતો ટી.વી. ચેનલો તથા ખાનગી ચેનલોમાં પ્રસારીત કરાવવામાં આવતી હોય છે. જેનું નિયમન કરવા માટે નામ. સુપ્રિમ કોર્ટના તા. ૧૩/૪/૨૦૦૪ના આદેશ મુજબ ચૂંટણી અંગેની જાહેરાતો ટી.વી. ચેનલો તથા ખાનગી ચેનલોમાં પ્રસારીત કરવા પર નિયમન કરવું જરૂરી જણાય છે.
આથી, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, બોટાદ દ્વારા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે મળેલ સત્તાની રૂએ હુકમ કર્યો છે કે, સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અન્વયે રાજકીય પક્ષો, ઉમેદવારો તેમજ તેમના કાર્યકરો દ્વારા આદર્શ આચારસંહિતા તથા ચૂંટણી કાયદાનો ભંગ થતો હોય તેવી જાહેરાતો ટી.વી. ચેનલો તથા ખાનગી ચેનલોમાં પ્રસારીત ના થાય તે માટે ટી.વી. ચેનલ તથા ખાનગી ચેનલ દ્વારા ચૂંટણી પ્રચાર કરવા ઈચ્છતા રાજકીય પક્ષો, ઉમેદવારો કે તેમના કાર્યકરોએ જાહેરાતની સ્ક્રીપ્ટ સાથે સહાયક માહિતી નિયામક, બોટાદને અરજી કરવાની રહેશે અને એમ.સી.એમ.સી. કમિટિ દ્વારા જાહેરાત એપ્રુવ થયાં બાદ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જાહેરાત પ્રસિદ્ધ કરવા માટે મંજુરી આપવામાં આવશે. આથી જિલ્લા ચૂંટણી અધિકારીની પરવાનગી વગર ટી.વી. ચેનલો તથા ખાનગી ચેનલોમાં ચૂંટણી અંગેની જાહેરાત પ્રસારીત કરવી નહીં.
આ હુકમનું ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ હેઠળ સજાને પાત્ર થશે. આ જાહેરનામું બોટાદ જિલ્લાના જે વિસ્તારમાં ચૂંટણી થનાર છે તે હદ વિસ્તારમાં લાગું પડશે. આ જાહેરનામુ પ્રસિધ્ધ થયા તારીખથી તા.૨૭/૦૬/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.
