ચૂંટણી દરમિયાન વાહનોના દુર્પયોગ પર નિયમન કરવા બાબતે હુકમ ફરમાવતા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, બોટાદ

    રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ યોજવાનું જાહેર કરેલ છે. તે મુજબ ગ્રામ પંચાયતોની સામાન્ય વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ અંતર્ગત તા.૨૨/૦૬/૨૦૨૫નાં રોજ મતદાન થનાર છે. જેનાં અનુસંધાને ચૂંટણી પ્રચાર અભિયાનરૂપે રાજકીય/બિનરાજકીય પક્ષનાં કાર્યકરો અને ચૂંટણી ઉમેદવારો તરફથી ચૂંટણી પ્રચાર ઝુંબેશ પોતપોતાના મત વિસ્તારમાં શરૂ કરવામાં આવેલ હોય આ પ્રચારનાં હેતુ માટે તેઓ દ્વારા કે તેની સહમતિથી બીજા કોઈ વ્યકિત દ્વારા પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવશે. તે સંજોગોમાં આવા વાહનો ઉપર દેખરેખ રાખવા અને ઉમેદવારનાં પ્રચાર માટે વપરાતા વાહનોનાં સબંધમાં થતો ખર્ચ યોગ્ય રીતે જાહેર થાય તે હેતુથી અને જો આમ કરવામાં ન આવે તો તેમનાં પ્રતિસ્પર્ધી ઉમેદવારો તથા જનસામાન્ય તરફથી સાચી ખોટી ફરીયાદો ઉપસ્થિત થવા અને એકબીજા જૂથો વચ્ચે મનદુઃખ અને ઘર્ષણ ઉભું થવાની સંભાવના તેમજ સુલેહશાંતિનો ભંગ થવા સંભવ રહે છે. આથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, બોટાદ દ્વારા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે મળેલ સત્તાની રૂઈએ ફરમાવ્યું છે કે, 

કોઈપણ રાજકીય પક્ષો કે બિન રાજકીય પક્ષો કે તેમનાં ઉમેદવારો કે તેની સહમતિથી બીજા કોઈ વ્યકિત દ્વારા ચૂંટણી પ્રચાર માટે વાહનમાં લાઉડ સ્પીકર વગાડવા માટે સંબંધિત સક્ષમ અધિકારીશ્રી પાસે વાહન રજીસ્ટર્ડ કરાવી, વાહનના ઉપયોગ અંગેની મંજુરી મેળવી સંબંધિત સક્ષમ અધિકારીશ્રી પાસેથી લાઉડ સ્પીકર વગાડવાની મંજુરી/પરમીટ લેવાની રહેશે અને અસલ પરમીટ જ વાહનોની ઉપર સહેલાઈથી દેખાય આવે તે રીતે વિન્ડસ્ક્રીન પર ચોડવાની રહેશે. કોઈપણ સંજોગોમાં પરમીટની ફોટોકોપી ચાલશે નહિ, ઉપરાંત પરમીટ મેળવ્યા સિવાય અને વાહન રજીસ્ટર કરાવ્યા સિવાય કોઈપણ વાહનનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહીં. આ નિયંત્રણો યાંત્રિક શકિતથી કે અન્ય રીતે ચાલતા તમામ વાહનોને લાગુ પડશે. 

ગુજરાતના ચૂંટણી આયોગની માર્ગદર્શીકા મુજબ રાજકીય પક્ષો તથા ઉમેદવારોએ અમલમાં હોય તેવા આદેશોને આધિન વાહનોનો કાફલો દર પાંચ વાહન પછી છુટો પાડવાનો રહેશે (સુરક્ષા વાહનોને બાદ કરતા) આ વાહનોના બે કાફલા વચ્ચે ૧૦૦ મીટરના અંતરાલના બદલે અડધો કલાકનો અંતરાલ રાખવાનું રહેશે, ગૃહ વિભાગની માર્ગદર્શિકાનું પાલન કરવાનુ રહેશે. રાજકીયપક્ષે/ઉમેદવારે આ અંગે કરવામાં આવેલ ખર્ચની વિગતો, ખર્ચ રજીસ્ટરમાં નોંધવાની રહેશે. 

આ હુકમનું ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ હેઠળ સજાને પાત્ર થશે. આ જાહેરનામુ બોટાદ જિલ્લાના જે વિસ્તારમાં ચૂંટણી થનાર છે તે હદ વિસ્તારમાં લાગુ પડશે. આ જાહેરનામુ પ્રસિધ્ધ થયા તારીખથી તા.૨૭/૦૬/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.

Related posts

Leave a Comment