હિન્દ ન્યુઝ, ભુજ
સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ રાજ્યકક્ષાના મંત્રી તથા પ્રભારીમંત્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને આજરોજ ભુજ કલેકટર કચેરી ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી.
બેઠકમાં ધારાસભ્યોના પ્રશ્નો સાંભળવા સાથે વિવિધ વિભાગની કામગીરીની પ્રભારીમંત્રીએ સમીક્ષા કરી હતી. કચ્છમાં ભુકંપ સંલગ્ન રજૂ થયેલા તમામ વણઉકેલાયેલા પ્રશ્નોના ઉકેલ માટે રાજય સરકાર કટિબધ્ધ હોવાનું જણાવ્યું હતું.
આજની બેઠકમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ મનરેગા, નર્મદા કેનાલને લગતા પ્રશ્નો, ગૌચર, બિસ્માર રોડ, તળાવ સુધારણા, બિસ્માર શાળાના મકાન, શાળામાં નવા ઓરડાની જરૂરીયાત, લો-વોલ્ટેજ સમસ્યા, સ્ટોરેજ ટેન્કના કામ, પીવાના પાણી, પેચવર્ક, તથા નાંદા રણમાં બનેલા રોડની ફરતે સંરક્ષણ દીવાલ બનાવવા સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ દબાણ, પાર્કિંગ સહિતના પ્રશ્નો તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ ગૌચર દબાણ, વાંઢીયાના પેટા કેનાલની અધુરી કામગીરી, આધારકાર્ડમાં સુધારા દરમિયાન થતી સમસ્યા સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. ધારાસભ્ય કેશુભાઇ પટેલે ભારાસર ૬૬ કે.વી સબસ્ટેશનના કામમાં થતો વિલંબ, ભુજ બાયપાસ રોડને સંલગ્ન સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. અંજાર ધારાસભ્યશ્રી ત્રિકમભાઇ છાંગાએ ચેકડેમ, તળાવની સ્થિતિ, વયવંદના યોજના,તારની ફેન્સિંગ યોજના સહિતની માહિતી સંબધિત અધિકારીઓ પાસેથી મેળવીને સંલગ્ન જરૂરી સૂચનાઓ આપી હતી. આ સાથે ટોલ પ્લાઝા, ચેકડેમ, ભારાપર-બળદિયા કેરા માર્ગ, અંજાર બાયપાસ સંલગ્ન રજૂઆત સાથે અંજાર સ્ટેડીયમના રીનોવેશન તથા સુધારણાને લઇને રજૂઆત કરી હતી.
અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ વાહન પાસિંગમાં ખાનગી સેન્ટરોથી મુ્શ્કેલી, ઘરેલું વીજ જોડાણ, સરગુઆરાની જર્જરીત આંગણવાડી તથા શાળા, જખૌની જર્જરીત શાળા, ખનીજચોરી, પંચાયત ઘરના બાકી કામ, ઘોરાડ અભ્યારણ્યને સંલગ્ન પ્રશ્ન, આરોગ્ય, પાણી, રોડ તથા સહિતના પ્રશ્નો મુકયા હતા. જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન કુંવરબેન મહેશ્વરીએ લેન્ડ કમિટી,મફત પ્લોટ યોજના, વીજ કનેકશન, સરકારી પડતર તથા ગૌચરમાં દબાણ સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા.
બેઠકમાં રજૂ કરાયેલા પ્રશ્નો મુદે પ્રભારીમંત્રીએ તમામ સંલગ્ન વિભાગના અધિકારીઓ પાસેથી જરૂરી વિગતો જાણીને તત્કાલ ઉકેલની દિશામાં કામગીરી કરવા તાકીદ કરી હતી. કલેક્ટર આનંદ પટેલે રજૂ કરાયેલા પ્રશ્નો મુદે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ એસ.પી વિકાસ સુંડા, પૂર્વ કચ્છ એસ.પી સાગર બાગમાર, ગાંધીધામ મ્યુનિસિપલ કમિશ્નર મિતેશ પંડયા, નિવાસી અધિક કલેકટર ડી.પી.ચૌહાણ, ડીઆરડીએના ડાયરેક્ટર નિકુંજ પરીખ, સર્વે પ્રાંત અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ નગરપાલિકાના પ્રમુખઓ, તાલુકા પંચાયત પ્રમુખઓ અને અગ્રણી જનપ્રતિનિધિઓએ તથા જિલ્લા વહીવટીતંત્રના તમામ શીર્ષ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
