હિન્દ ન્યુઝ, જૂનાગઢ
ગુજરાતના ઇતિહાસમાં શૌર્ય અને ત્યાગના અમર પ્રતીક તરીકે ઓળખાતા રા’ ના રાખોપા — આહીર વીર દેવાયતબાપૂ બોદર, વાલ્મિકી ભીમડા બાપુ અને વાલબાઈ માં — એમના શૌર્ય અને બલિદાનને શ્રદ્ધાંજલિરૂપ સ્વરૂપે ઉત્તરોત્તર પેઢીઓને પ્રેરણા આપનાર મ્યુઝિયમ અને ભવ્ય પ્રતિમાનું નિર્માણ જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ ખાતે થવા જઈ રહ્યું છે.

આ પવિત્ર અને ગૌરવશાળી પ્રસંગે ગુજરાત રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા ના વરદહસ્તે આ મ્યુઝિયમના ખાતમુહૂર્ત સમારંભ સંપન્ન થયો, જેમાં રા’ વંશજ અને પૂર્વ શિક્ષણ મંત્રી આદરણીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ખાસ હાજર રહી આ ઐતિહાસિક ઘડીને સાક્ષી બનાવી.
કાર્યક્રમમાં રાજ્યના વિવિધ વિસ્તારોના ધારાસભ્યઓ, લોકસભાના સાંસદ, કલેક્ટર, કમિશનર, ડીડીઓ અને અનેક સામાજિક આગેવાનોએ ઉપસ્થિતિ આપી શૌર્યગાથાના આ નવા અધ્યાય માટે પોતાનો સહકાર અને આશીર્વાદ વ્યક્ત કર્યો.

આ પ્રસંગે પૂર્વ પ્રવાસન મંત્રી માન. જવાહરભાઈ ચાવડાનું વિશેષ નામોત્કાર કરવો અવશ્ય બની જાય છે. તેમનો દ્રઢ સંકલ્પ અને દૂરસૂચક દ્રષ્ટિએ ઉપરકોટના સમૃદ્ધ ઇતિહાસને જીવંત રાખવા માટે રૂ. ૧૦૦ કરોડ જેટલી ભવ્ય રકમ ફાળવી હતી, જેના પગલે ઉપરકોટના વિકાસ અને પુનર્નિર્માણનું દ્રઢ પાયે શુભારંભ થયું. તેમના કાર્યકાળ દરમિયાન આવેલ આ વિકાસકાર્ય આજે નવા પડાવ તરફ વધી રહ્યું છે – જેના માટે જવાહરભાઈ ચાવડા આ ઐતિહાસિક ઘડીએ હંમેશાં યાદ રહેશે.
તેમજ, વર્તમાન પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના નેતૃત્વમાં ઉપરકોટ અને આસપાસના ઐતિહાસિક વિસ્તારોને વૈશ્વિક દરજ્જા પર પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ યાત્રા આગળ વધી રહી છે. તેમણે આ મ્યુઝિયમ અને ભવ્ય શૌર્યસ્થળના નિર્માણ માટે વધારાની રકમ ફાળવી – જેનાથી આ સમગ્ર પરિસર માત્ર પ્રવાસન સ્થળ નહીં, પણ ભવિષ્યની પેઢી માટે એક જીવંત શૌર્યવિદ્યાલય બનશે.

આ મ્યુઝિયમ માત્ર પથ્થરમાં કંડારેલી ઇમારત નહીં, પણ તે ત્યારેના વીર સપૂતોના ત્યાગ, દેશભક્તિ અને માનવમુલ્યોથી ઉભો રહેલો જીવંત ઇતિહાસ હશે — જે આપણા બાળકોને શૌર્ય, સંસ્કૃતિ અને સમરસતા, નૈતિકતાની નવી ઉંચાઈઓ સુધી લઈ જશે.
આ ભવ્ય યજ્ઞ માટે ગુજરાત સરકાર, પ્રવાસન વિભાગ તથા સામાજિક આગેવાનો, નો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ, જેમણે આ અભૂતપૂર્વ કાર્યને સ્વરૂપ આપ્યું.



