હિન્દ ન્યુઝ, વડોદરા
જીવનમાં આવી પડેલી પડેલી સામાજિક અને આર્થિક વિપત્તિને કારણે દારુ વેચાણ જેવી પ્રવૃત્તિ ઉપર ચઢી ગયેલી વડોદરા જિલ્લાની ૩૦૦ જેટલી મહિલાઓને તેમના સ્વમાન સાથે મુખ્ય પ્રવાહમાં લાવવાનું સદ્દકાર્ય વડોદરા ગ્રામ્ય પોલીસે હાથ ધર્યું છે. આવી મહિલાઓને સાધન સહાય આપી આર્થિક રીતે પગભર બનાવવા જિલ્લા પોલીસ વડા રોહન આનંદે કમર કસી છે.
આ અભિયાન પાછળની ભૂમિકા રસપ્રદ છે. દારુ વેચાણ અને સેવન કરવા જેવી પ્રવૃત્તિને ડામવા માટે વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા રોજબરોજ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. તેમાંય ખાસ કરીને દેશી દારુની હાટડા ઉપર રેડની કાર્યવાહી કરવામાં આવે ત્યારે તેમાં બહુધા કિસ્સામાં તેમાં મહિલાઓ સંકળાયેલી જોવા મળે છે. વડોદરા જિલ્લામાં દેશી દારૂના ઉત્પાદન અને વેચાણમાં મોટે ભાગે મહિલાઓ જોડાયેલી હોય છે.
મહિલાઓને આવી પ્રવૃત્તિમાંથી કાયમ રીતે બહાર કાઢવા માટે જિલ્લા પોલીસ વડા રોહન આનંદે આવી મહિલાઓનું સર્વેક્ષણ કરાવ્યું અને તેને વૈકલ્પિક રીતે કેવી રીતે આર્થિક પગભર બનાવી શકાય એ દિશા ખોલવા પોલીસ તથા સામાજિક સંસ્થાઓની મદદ લીધી.
પોલીસ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં એવા તથ્યો બહાર આવ્યા કે, દેશી દારૂના વેચાણ સાથે સંકળાયેલી મહિલાઓ પૈકી ૪૦ ટકા જેટલી વિધવા છે, પતિના અવસાન બાદ દારુણ સ્થિતિ આવી પડી હતી. અન્ય મહિલાઓ તેમના પતિ દ્વારા ત્યજી દેવા કે છોડીને જતા રહેવા, પતિ વિકલાંગ હોવા જેવાના કારણોથી આવી પ્રવૃત્તિ મનેકમને કરતી હતી.
આ જ પ્રવૃત્તિ શા માટે ?
આ પ્રશ્નનો ઉત્તર પણ ઉક્ત નિરીક્ષણમાં મળ્યો. એક તો મહિલાઓની સામાજિક સ્થિતિ એવી હતી કે તે ઘરની નજીક જ કામ કરી શકે અને બીજું કે આ પ્રવૃત્તિમાં બહુ શારીરિક મહેનત કરવી પડતી નથી.
આવા તારણોને ધ્યાને રાખી વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા અભિયાન આદરવામાં આવ્યું છે. દારુ વેચાણની પ્રવૃત્તિ સાથે સંકળાયેલી મહિલાઓને વૈકલ્પિક રોજગારી આપી તેને આર્થિક રીતે પગભર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરક્ષા સેતુ સોસાયટી, વડોદરા ગ્રામ્ય પોલીસ અને આઇસીઆઇસીઆઇ ફાઉન્ડેશનના સહયોગથી આવી મહિલાઓને બ્યુટીપાર્લર કામની તાલીમ આપી માતબર રકમની કિટ આપવામાં આવશે.