હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
આરોગ્ય વિભાગના સાંસ કેમ્પેઇન અંતર્ગત રેકીટ ડેટોલ બનેગા સ્વસ્થ ઈન્ડીયા અને પ્લાન ઈન્ડીયાના સંયુક્ત ઉપક્રમે “સેલ્ફ કેર ફોર ન્યૂ મોમ્સ એન્ડ કિડ્સ અન્ડર ફાઈવ” કાર્યક્રમ દ્વારા ઉના તાલુકાની સૈયદ રાજપરા પ્રાથમિક શાળા ખાતે આરોગ્યલક્ષી સ્વચ્છતાનો સંદેશો આપતું નુક્કડ નાટક ભજવવામાં આવ્યું હતું.
નુક્કડ નાટકમાં અભિનય દ્વારા વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશનના સાત સૂત્ર અને ઓ.આર.એસ. બનાવવાની સાચી રીત, હાથ ધોવાની સાચી રીત અને ઝાડા વ્યવસ્થાપન વિશેની માહિતી સાથે ઝાડા વ્યવસ્થાપનના સાત મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
આ સાથે જ ન્યુમોનિયાના લક્ષણો, ન્યુમોનિયાથી બચવા માટે શું ધ્યાન રાખવુ વગેરેની સમજ આપવામાં આવી હતી. નાટક દરમિયાન કોમ્યુનીટી હેલ્થ વર્કર હેતલ મકવાણા દ્વારા હાથ ધોવાના રીત, નિર્જલીકરણ વગેરેનું ડેમોન્સ્ટ્રેશન કરી સમજ આપવામાં આવી હતી.
મહિલાઓ અને બાળકોએ આરોગ્યલક્ષી સ્વચ્છતાના આ નાટકને ખૂબ જ ઉત્સાહથી નિહાળ્યું હતું અને આરોગ્યલક્ષી સમજ મેળવી હતી.
આ તકે, પ્લાન ઈન્ડિયા સંસ્થાના સ્ટેટ મેનેજર ડો. ચંદ્રદીપ રોય, ગીર સોમનાથ જિલ્લાના બ્લોક ઓફિસર દેવા ચારીયા, પ્રાથમિક શાળાના આચાર્ય, સરપંચ, આગેવાનો દ્વારા સહકાર અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.