કેન્દ્ર સરકાર દ્વારા પાલડી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને NQAS એવોર્ડ એનાયત

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

               ગીર સોમનાથ આરોગ્ય વિભાગ સમગ્ર જિલ્લાના છેવાડાના ગામોમાં અવિરત આરોગ્ય સેવાઓ આપે છે. સુદ્રઢ આરોગ્ય સેવા આપતા ઉના તાલુકાના પાલડી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને રાષ્ટ્રીય કક્ષાનો NQAS (નેશનલ ક્વોલીટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ) એવોર્ડ પ્રાપ્ત થયો છે.

ગુણવત્તા, જ્ઞાન, કૌશલ્ય, ઇન્ફેકશન કંટ્રોલ અને સ્વચ્છતાલક્ષી સ્વાસ્થ્ય સુવિધાઓ, દર્દીઓમાં જાગૃતિ લાવવાની કામગીરી તથા આરોગ્યને લગતી વિવિધ સુવિધાઓ પ્રદાન કરવા સબબ પાલડી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ગુણવત્તાયુક્ત કામગીરી કરનારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પાલડીને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણ (NQAS) પ્રોગ્રામ હેઠળ તજજ્ઞો દ્વારા આરોગ્ય કેન્દ્રની કામગીરીના મૂલ્યાંકન બાદ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી.

કેન્દ્ર સરકારના  તજજ્ઞો દ્વારા પાલડી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના વિવિધ વિભાગો દ્વારા થતી કામગીરી, આરોગ્યલક્ષી સેવાઓનું બારીકાઈથી મૂલ્યાંકન કરી તેનો અહેવાલ ભારત સરકારમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ૮૭.૧૮% ટકા સ્કોર મેળવી પાલડી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને નેશનલ લેવલનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.

ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી. એન બરુઆ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.ટી.કણસાગરા, RCHO ડૉ અરુણ રોય, ક્વોલિટી એશ્યોરન્સ મેડિકલ ઓફિસર ડો. એચ.ટી.કણસાગરા, એપેડેમિક મેડીકલ ઓફિસર ડો.દિવ્યેશ ગોસ્વામી, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ દુમાત્તર, જિલ્લા નોડલ પારૂલબેન ખાણિયા, આયુષ્માન આરોગ્ય મંદિર પાલડીના સી.એચ.ઓ હર્ષાબેન તથા તમામ સ્ટાફે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ અપાવવામાં બહુમૂલ્ય યોગદાન આપ્યું છે.

Related posts

Leave a Comment