હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
રાજ્ય સરકાર ખેડૂતો આધુનિક ખેતી પધ્ધતિના નવા આયામોનો ઉપયોગ કરીને સમૃદ્ધ બને તે માટે કટિબદ્ધ છે. સમગ્ર રાજ્યની સાથે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો પણ રાજ્ય સરકારની વિવિધ કૃષિ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવીને આધુનિક કૃષિ કરી રહ્યા છે.
વેરાવળ તાલુકાના ચમોડા ગામના ખેડૂત રાજેશભાઈ પુંજાભાઈ રામને પોતાના ખેતરમાં સિંચાઇ માટે પંપની જરૂરિયાત હતી. પરંતુ બજારમાં મોઘી કિંમતે મળતો હોવાથી તેઓ ખરીદી કરી શકતા ન હતાં.
આ વિમાસણ વચ્ચે તેમને આઇ-ખેડૂત પોર્ટલ પર આ અંગેની અરજી કરવાથી સહાય મળે તેની જાણકારી મળી હતી. જેના આધારે તેમણે આઇ-ખેડૂત પોર્ટલ પર પંપની સહાય માટેની અરજી કરી હતી. આ અરજી કર્યાના થોડા સમયમાં જ તેમને આ અંગેની મંજુરી મળી હતી.
રાજેશભાઇએ જરુરી દસ્તાવેજી કાર્યવાહી કર્યા બાદ આ સહાયની મદદથી બજારમાંથી તેમને જોઇતો પંપ ખરીદ્યો હતો. જેના આધારે તેઓ તેમના ખેતરમાં આ પંપની સહાયથી જરૂરિયાત મુજબનું પિયત કરી શકે છે.
ખેડૂત રાજેશભાઈએ આ અંગે પોતાનો અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે, આ સહાય મને ખૂબ જ સરળતાથી અને પારદર્શક રીતે મળી છે. મારે આ માટે કોઇ ધક્કા ખાવા પડ્યા નથી. આ સહાય માટે તેમણે રાજ્ય સરકાર માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી.