હિન્દ ન્યુઝ, જામનગર
જિલ્લા કલેકટર બી.કે.પંડ્યા દ્વારા ‘સશસ્ત્ર સેના ધ્વજદિન’ નો જામનગર જિલ્લામાં શુભારંભ કરાવાયો હતો.બેઠકમાં નાંણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળમાં મહત્તમ ફાળો આપનાર દાતાઓનું કલેક્ટર સહિતના મહાનુભાવો દ્વારા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યુ હતુ. ત્યાર બાદ નિવૃત જવાનોના પરિવારોને રાજ્ય સરકારશ્રી તરફથી માસિક આર્થિક સહાય, દિકરી લગ્ન સહાય, સ્કોલરશીપ, અંતિમ ક્રિયા સહાય, યુદ્ધ જાગીર ભથ્થુ તથા કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતી વિવિધ સહાયની વિગત કચેરીના યોગેશ સોની દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી રજુ કરાઈ હતી.પુર્વ સૈનિકો તથા મંડળો તરફથી મળેલ મુદ્દાઓ બાબતે પણ કલેક્ટરશ્રી દ્વારા વિસ્તૃત ચર્ચા કરાઈ હતી.
બેઠકમાં જામનગર જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી કમાન્ડર સંદિપ જયસ્વાલ (નિવૃત) એ ‘સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ’ અંગેની વિગતો આપતા જણાવ્યુ હતુ કે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, જામનગરને નાંણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન જામનગર જિલ્લાના દાતાશ્રીઓએ ફાળવેલ લક્ષ્યાંકની સરખામણીએ કુલ ૨૦૯% નો મહત્વનો ફાળો આપેલ છે. તથા નાંણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ તા. ૦૧/૦૪/૨૦૨૪ થી તા. ૩૦/૧૧/૨૦૨૪ સુધીમાં ૨૧ પરિવારોને રૂ. ૮,૭૫,૧૦૦/- ની માસીક આર્થીક સહાય, ૦૧ પરિવારને રૂ. ૨૭,૫૦૦/- ની દિકરી લગ્ન સહાય તેમજ ૦૬ પરિવારોને અંતીમ ક્રિયા સહાય પેટે રૂ. ૬૦,૦૦૦/-ની એમ કુલ રૂ. ૯,૬૨,૬૦૦/- ની સહાય ચુકવવામાં આવેલ છે.
ફ્લેગ ડે ની ઉજવણી અંતર્ગત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પોર્ટ દ્વારા રૂ.25 લાખનું અનુદાન અપાયું હતું જ્યારે વ્યક્તિગત, સામાજિક સંસ્થાઓ તેમજ સરકારી અને ખાનગી એકમોએ પણ ઉદાર હાથે અનુદાન આપી ગત વર્ષે 41 લાખ તેમજ ચાલુ નાણાકીય વર્ષે 33 લાખનું અનુદાન આપી સૈનિક પરિવારોને મદદરૂપ બન્યા હતા.
કલેક્ટરએ જામનગરની જનતાને સશસ્ત્ર સેના ધ્વજદિન માટે ઉદાર હાથે ફાળો આપવા અપીલ કરી હતી તથા પુર્વ સૈનિકો, સ્વ.સૈનિકોના ધર્મપત્ની અને તેઓના આશ્રીતોને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સવલતો મળી રહે તે માટેની કાર્યવાહીને પ્રાધાન્ય આપી સરકાર તરફથી લાગુ પડતી તમામ સહાયના લાભો સમયસર લાગુ પડતા લાભાર્થીઓને મળી રહે તે બાબતની કાર્યવાહી અગ્રતાના ધોરણે હાથ ધરવા સૂચન કરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતુ.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેક્ટર બી.એન.ખેર, ઈન્ડીયન નેવી, અને એર ફોર્સના અધિકારીઓ તથા પ્રમુખ, હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.