હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
જૂનાગઢ વન વિભાગ, વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ઈન્ડિયા તથા ટાટા કેમિકલના સહયોગથી ફિશરિઝ કોલેજ વેરાવળ ખાતે “વ્હેલ શાર્ક દિવસ-૨૦૨૪” અંતર્ગત ગુજરાતના દરિયાકાંઠે વ્હેલશાર્કના સંરક્ષણ માટે બે દાયકાથી સફળ સહ સંચાલનની ઉજવણી કરવામાં આવી હતી.
જૂનાગઢ વર્તુળ મુખ્ય વન સંરક્ષક કે.રમેશે વ્હેલ શાર્કના સંરક્ષણ અને સંવર્ધન માટે અપીલ કરતા જણાવ્યું હતું કે, આપણે હંમેશા કુદરત સાથે અનુકૂલન સાધીને ચાલવું જોઈએ. આપણે કુદરતના નિયમોને અનુસરવા જોઈએ. જો આપણે એમ નહીં કરીએ તો જનસમૂહ અને આવતી પેઢીને નુકસાન ભોગવવું પડશે. મનુષ્યને તેમની ભૂલમાંથી જ શીખવાનું છે. જો પર્યાવરણને મનુષ્ય નુકસાન પહોંચાડે છે તો મનુષ્ય જ પર્યાવરણને બચાવી શકે છે.
વ્હેલશાર્ક એ આવકનો સૌથી મોટો સ્ત્રોત હોવા છતાં પણ સાગરખેડૂઓએ એમની દરિયાદિલી બતાવી છે. એકબાજુ કમાણી અને બીજીબાજુ નૈતિક ધોરણોમાંથી એમણે નૈતિક ધોરણો પસંદ કર્યા છે. વ્હેલશાર્કને સંરક્ષિત પ્રજાતિ જાહેર કરાતા સમગ્ર સમૂદાયનો હકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો હતો. જે દર્શાવે છે કે આ ખાસ પ્રકારના દરિયાઈ જીવને બચાવવા આ સમૂદાય પણ હરહંમેશ સજ્જ છે. એમ કહી તેમણે સાગરખેડૂઓને બીરદાવ્યાં હતાં.
તેમણે વધુમાં ફિશરમેન માટે નુકસાનીનું વળતર, વ્હેલ શાર્કની જૈવિક ગતિવિધિઓ, સરકારની વિવિધ પોલિસી, ટેક્નોલોજીના ઉપયોગથી ટેગિંગ, વ્હેલ શાર્કના ખોરાકનું માધ્યમ, વાતાવરણમાં ફેરફારો, ગ્લોબલ વોર્મિંગ, દરિયાઈ પ્રદૂષણ, કોસ્ટગાર્ડ અને ફોરેસ્ટ વિભાગના સંયુક્ત પેટ્રોલિંગ સહિત વૈશ્વિક સ્તરે આવતા ફેરફારો વિશે તબક્કાવાર માહિતી આપી હતી.
પ્રોજેક્ટ પાર્ટનર ટાટા કેમિકલ્સ લિમિટેડના પ્રતિનિધિ મુકેશબાબુ સોલંકીએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટનો સંદેશો સતત એક પેઢીના માધ્યમથી બીજી પેઢીમાં તેનો વ્યાપ વિસ્તારી રહ્યો છે. સરકાર, જનપ્રતિનિધિઓ અને નાગરિકોના સહિયારા પ્રયત્નોના કારણે જ આ કન્ઝર્વેશન પ્રોજેક્ટની ફળશ્રુતિ મળી રહી છે. વ્હેલશાર્ક સંવર્ધન પ્રોજેક્ટમાં અઢળક નાગરિકો સહભાગી બનવાની ખુશી પણ તેમણે વ્યક્ત કરી હતી.
અગ્રણી તુલસીભાઈ ગોહિલે હૂક ફિશિંગ, વ્હેલ શાર્કનો વ્યાપ, વર્ષ ૨૦૦૭ થી લઈ વર્ષ ૨૦૨૪ સુધી ગીર સોમનાથના દરિયાઈ વિસ્તારોમાં આ ખાસ પ્રકારના દરિયાઈ જીવના રક્ષણ માટે કરાયેલા પ્રયત્નો વર્ણવ્યા હતાં.
ગુજરાતના દરિયામાં પ્રવાસ કરતી વ્હેલ શાર્કના રક્ષણ અને બચાવ માટે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી ચોક્સી કૉલેજ વેરાવળના એન.એસ.એસ વિદ્યાર્થીઓએ “સેવ ધ વ્હેલ શાર્ક” નાટકના માધ્યમથી વ્હેલ શાર્ક બચાવવાનો સંદેશો આપ્યો હતો અને વેરાવળ મદદનીશ વન સંરક્ષક એસ.આર.પ્રજાપતિએ આભારવિધિ કરી હતી.
આ કાર્યક્રમમાં જૂનાગઢ વર્તુળ નાયબ વન સંરક્ષક અક્ષય જોશી, કોસ્ટગાર્ડ આસિ.કમાન્ડર અંકિત મિશ્રા, વનવિભાગના અધિકારીઓ સર્વ રસિલાબહેન વાઢેર, વાય.એસ.કળસરિયા, કે.ડી.પંપાણિયા, વાઈલ્ડલાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના પ્રતિનિધિ બી.એમ.પ્રવીણકુમાર, ફિશરિઝ કોલેજ અને ચોક્સી કોલેજના વિદ્યાર્થીઓ, પ્રોફેસર્સ અને સાગરખેડૂઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.