ઓલપાડના દેલાસા ગામ ખાતે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના વરદ્ હસ્તે રૂ.૨૭.૭૬ કરોડના ખર્ચે પુલ અને માર્ગ નિર્માણના કાર્યનું ખાતમુહૂર્તઃ કરાયું

હિન્દ ન્યુઝ, ઓલપાડ

વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના વરદ્ હસ્તે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.૨૭.૭૬ કરોડના ખર્ચે ઓલપાડ તાલુકાના દેલાસા ગામથી કપાસી-કુદીયાણા ગામ વચ્ચે સેના નદી પર પુલ અને માર્ગ નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરાયું હતું.

          આ પ્રસંગે મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, વર્તમાન સરકારે નાના અને અંતરિયાળ ગામોમાં અનેકવિધ વિકાસકામો સાથે પાકા રસ્તાઓની સુવિધા ઉભી કરી છે. તેમજ રાજ્ય સરકારે શિક્ષણ, સ્વાસ્થ્ય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કૃષિ અને પશુપાલન જેવા ક્ષેત્રોમાં કરોડો રૂપિયાના વિકાસકામો ઝડપભેર સાકાર કર્યા છે.દેલસા ગામથી કપાસી-કુદીયાણા ગામ વચ્ચે સેના નદી પરના પુલ અને રસ્તાની કામગીરીની વર્ષોથી લોકો જે માંગણી કરી રહ્યા હતા, તે હવે પુરી થઇ છે. આ પુલના નિર્માણથી આજુબાજુના ૧૮ ગામોના ૭૨,૬૧૦ લોકોને લાભ મળશે. લોકોનો સમય અને ઇંધણ બંનેની બચત થશે. સરકારે છેવાડાના લોકોની ચિંતાને ધ્યાનમાં રાખીને વિકાસકામો પર ખાસ ધ્યાન આપ્યું છે. છેવાડા વિસ્તારોમાં વિજળી, પાણી અને રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ રાજ્ય સરકાર દ્વારા પુરી પાડવામાં આવી છે.

        મંત્રીએ જનઆરોગ્ય વિશે સરકારે કરેલા કાર્ય વિશે વાત કરતાં કહ્યું હતુ કે, આયુષ્યમાન કાર્ડ થકી લાખો લોકો સારવાર લઇ રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે આરોગ્ય સેવા માટે આયુષ્યમાન ભારત કાર્ડ પર કુલ ખર્ચની રકમ વધારીને દસ લાખ સુધીની કરી છે.પહેલા છેવાડાના ગામના લોકો બિમાર પડતા તો શહેર સુધી દવા લેવા જવું પડતું હતું પરંતુ હવે ધરઆંગણે સરકાર દ્વારા આરોગ્ય કેન્દ્ર બનાવી લોકોને સુખમય કર્યા છે.સરકાર છેવાડાના માનવીનું સ્વાસ્થ સારું રહે એના માટે પ્રયત્ન કરી રહી છે.

         વઘુમાં તેમણે ઉમેર્યું કે, ઓલપાડ તાલુકો ઉત્તરોત્તર વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે, ત્યારે ગ્રામજનોને રસ્તા, વિજળી અને પીવાના પાણીની મુશ્કેલી ન સર્જાય તે માટે સરકાર સતત કાર્યરત છે. વિકાસકાર્યો અને જનલક્ષી યોજનાઓના સુચારુ અમલીકરણ દ્વારા વિકાસના ફળો સમાજના તમામ વર્ગોના લોકોને મળે તે માટે રાજ્ય સરકાર હરહંમેશ તત્પર હોવાનું જણાવતાં જરૂરિયાત ધરાવતા ગામોને જોડતા રસ્તા બનાવવાની પણ મંત્રીએ ખાતરી આપી હતી.    

            આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રીમતી નિતાબેન પટેલ, તા.પં. ઉપપ્રમુખ કિરણભાઇ પટેલ, કારોબારી અધ્યક્ષ જયેશભાઇ પટેલ, તાલુકા સંગઠન પ્રમુખ બ્રિજેશભાઈ પટેલ, તાલુકા સંગઠન મહામંત્રી કુલદીપભાઈ, વિવિધ ગામોના સરપંચઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

Related posts

Leave a Comment