જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવના આયોજન અર્થે બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, સુરત

      રાજયના ખેડુતોને રવિ સિઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડુતલક્ષી યોજનાઓ અંગેની જાણકારી મળી રહે તેવા હેતુ આગામી તા.૬/૧૨/૨૦૨૪ અને તાઃ૭/૧૨/૨૦૨૪ના રોજ બે દિવસીય કૃષિ મહોત્સવનું જિલ્લાના નવ તાલુકા મથકોએ તાલુકાકક્ષાના રવિ કૃષિ મહોત્સવો યોજાશે. જેના આયોજન અર્થે જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.

              જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ તમામ તાલુકાકક્ષાએ નોડલ અધિકારીની નિમણુંક, પદાધિકારીઓને આમંત્રણ, સ્થળ પસંદગી, ખેડુતોના સ્ટોલ સહિતની વ્યવસ્થા સુનિશ્વિત કરવા માટે તમામ અધિકારીઓને સંકલન સાથે કાર્ય કરવા જણાવ્યું હતું. રવિ મહોત્સવમાં મંત્રીઓ, ધારાસભ્યો, જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.   

              આ કૃષિ મહોત્સવમાં પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોના સ્ટોલ, બાગાયતી ખેત પેદાશોનું પ્રદર્શન, ડ્રોન ટેકનોલોજીના પ્રત્યક્ષ પ્રદર્શન, પશુ આરોગ્ય કેમ્પ, કેવાયસી અને સેલ્ફ રજિસ્ટ્રેશન, ઈથેનોલની માહિતીના સ્ટોલ જેવા વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવશે. મેળામાં પ્રગતિશીલ ખેડુતોના વકતવ્યો, ખેડુતોને પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોના કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત માટે લઈ જવામાં આવશે.       

        બેઠકમાં જિલ્લા ખેતીવાડી અધિકારી સતિષ ગામીત, નાયબ ખેતી નિયામક(તાલીમ) એન.જી.ગામીત તથા તાલુકાના અધિકારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.

Related posts

Leave a Comment