હિન્દ ન્યુઝ, રાજકોટ
લોધિકા તાલુકાના રાવકી ગામના રહેવાસી ધરતીપુત્ર કૃષ્ણસિંહ જાડેજાની….જેઓ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ આ પંચતત્વો પ્રત્યેની જવાબદારીને જીવનમાં ઉતારી કૃષિ કરે છે. તેમના માટે ધરતી, ગાય તથા પ્રકૃતિ માતા સમાન છે.
ખેડૂતપુત્ર જાડેજાભાઈ પાસે ૧૮ દેશી ગાયો છે, જેનાથી છાણ, મૂત્ર અને છાશ સહિતની વસ્તુઓનો ઉપયોગ કરીને તેઓ ઘનામૃત, જીવામૃત, બેક્ટેરિયા અને અન્ય અર્ક બનાવીને ખુબ ઓછા ખર્ચે પ્રાકૃતિક કૃષિ કરે છે. ઉપરાંત, દૂધાળી ગાયોના દૂધમાંથી દહીં, છાશ અને ચોખ્ખું ઘી મેળવી તેનું વેચાણ કરે છે, જે તેઓને આર્થીક રીતે પણ ફાયદો આપે છે. જાડેજાભાઈએ ગાયોના રહેવા માટે સુંદર ગૌશાળા બનાવી છે.
પોતાના ખેતરમાં જંગલ મોડેલ અપનાવીને હળદર સાથે સરગવો, તરબૂચ સાથે ટામેટા, ટામેટા સાથે ઘીસોડા અને મરચી સાથે ગલગોટાના ફૂલ વાવ્યા છે. તેઓએ રેવા જાતના લાલ મરચાના વાવેતર સાથે ગલગોટાના ફૂલો પણ ઉગાડ્યા છે. કૃષિ સાથે આધ્યાત્મિકતાને જોડતા જાડેજાનું માનવું છે કે, “સુગંધિમ પુષ્ટિવર્ધનમ” એટલે કે, ફૂલોની સુગંધથી ખેતરનું વાતાવરણ એકદમ ખુશ્બુદાર અને સકારાત્મક બને છે. તેઓ ગલગોટાના ફૂલો મંદિર અને પૂજા માટે વિનામુલ્યે ગ્રામવાસીઓને આપે છે.
તેઓનો મુખ્ય ઉદેશ્ય “ફાર્મર ટુ ફેમીલી” એટલે કે લોકો સુધી સારા ધાન, ફળો અને શાકભાજી મળે તો લોકોને સ્વાસ્થ્યવર્ધક ખોરાક પૂરું પાડી “ઝીરો કેન્સર” અભિયાનને સાર્થક કરવાનો છે. જાડેજાભાઈના જણાવ્યા મુજબ, લોકો જંકફૂડના સ્થાને પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત ચીજવસ્તુઓ તરફ વળે તેવો અભિગમ કેળવવો જોઈએ. રાસાયણિક ખેતીના પ્રમાણમાં પ્રાકૃતિક રીતે ઉત્પાદિત મગફળી, તલ, ઘઉં, જુવાર, મરચું, સરગવો સહિતની વસ્તુઓ ખુબ જ ઓછા ખર્ચે અને દોઢ ગણો ફાયદો કરાવે છે.