હિન્દ ન્યુઝ, આણંદ
જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આણંદ સર્કિટ હાઉસ ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.
અ બેઠકમાં ઉપસ્થિત સંકલન સમિતિના અધિકારીઓને જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ જન પ્રતિનિધિઓના પ્રજાલક્ષી પ્રશ્નોનો નિયત સમયમર્યાદામાં હકારાત્મક નિકાલ લાવવા માટે સૂચના આપી હતી.
આ ઉપરાંત જનપ્રતિનિધિઓ દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નો માટે કરેલ રજૂઆતનો પણ તુરંત જ પ્રતિસાદ આપવા પણ જિલ્લા કલેકટરએ અમલીકરણ અધિકારીઓને જણાવ્યું હતું.
કલેકટરએ આણંદ જિલ્લાવાસીઓની પ્રાથમિક સુવિધાના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા, સરકારી જમીન ઉપરના દબાણો માપણી મુજબ જે દબાણ નક્કી થતા હોય તેને તાકીદે દૂર કરવા જણાવ્યું હતું, આ ઉપરાંત પાણીના કામોને પ્રાયોરિટી આપવા અને સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા પણ તેમણે અધિકારીઓને સૂચના આપી હતી. કલેકટર એ વધુમાં ભારત સરકાર દ્વારા આપવામાં આવતી પ્રિ મેટ્રિક શિષ્યવૃત્તિ અંગેની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા પણ જણાવ્યું હતું.
બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યશ્રીઓ દ્વારા શાળાના ઓરડા, આરોગ્ય, રસ્તા, વીજળીકરણ, ગેરકાયદેસર દબાણ સહિતના પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી.
આ બેઠકમાં બોરસદના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, સંસદ સભ્ય મિતેષભાઇ પટેલ, ધારાસભ્યો સર્વ કમલેશભાઈ પટેલ અને ચિરાગભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટર ઋતુરાજ દેસાઈ સહિત સંકલન સમિતિના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.