સાંસદ, ધારાસભ્ય, કલેક્ટરએ વૃક્ષ દત્તક લઈને ‘હરિયાળું ગીર સોમનાથ’ કેમ્પેઈનનો પ્રારંભ કરાવ્યો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગને લીધે આજે અસંતુલિત આબોહવાનો અનુભવ કરી રહ્યું છે. વિશ્વમાં ધીમે-ધીમે ઉષ્ણતામાનમાં વધારો થઈ રહ્યો છે. સમગ્ર જીવ સૃષ્ટિ પર તેની વિપરીત અસરો પડી રહી છે. આ બધાથી બચવાનો એકમાત્ર ઉપાય પર્યાવરણની સમતુલા જાળવવાનો છે. તેમાં, ખાસ કરીને વૃક્ષો એ પર્યાવરણનું જતન કરવા માટે મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે, ત્યારે ચોમાસા પૂર્વે વધુને વધુ વૃક્ષારોપણ થાય તેવાં ઉમદા ઉદ્દેશ્યથી ગીર સોમનાથ જિલ્લામાં ‘હરિયાળું ગીર સોમનાથ’ કેમ્પેઈનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આજે સવારે ટાવર ચોક પાસે આવેલા ડૉ.આંબેડકર ગાર્ડન ખાતેથી સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ અને જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ વૃક્ષ દત્તક લઈને ‘હરિયાળું ગીર સોમનાથ’ કેમ્પેઇનનો પ્રારંભ કરાવ્યો હતો.

‘વૃક્ષો વાવો, સૃષ્ટિ બચાવો’ના અભિગમને સાર્થક કરવા પ્રારંભ કરાયેલા કેમ્પેઈનમાં ડૉ.આંબેડકર ગાર્ડન પાસે સદભાવના ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવેલા સ્ટૉલ ખાતે નિશ્ચિત રકમ લઈને વૃક્ષોને દત્તક લેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જ્યાં નગરજનોએ મોટી સંખ્યામાં વૃક્ષો દત્તક લીધા હતા.

આ કેમ્પેઇન અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વૃક્ષો દત્તક લેનાર વ્યક્તિઓને આભારપત્ર આપીને પર્યાવરણ રક્ષાના તેમના પુણ્ય કર્મને સન્માનિત કરવામાં આવ્યું હતું. અગ્રણીઓ સર્વ મહેન્દ્રભાઈ પીઠિયા, લખમભાઈ ભેંસલા સહિત નગરજનોએ વૃક્ષો દત્તક લઈ કેમ્પેઈનમાં સહભાગીતા નોંધાવી હતી.

આ તકે, કલેક્ટરએ જણાવ્યું હતું કે, વૃક્ષારોપણમાં સહભાગીદારી નોંધાવવા માટે જેમને પણ વૃક્ષ દત્તક લેવું હોય એ દત્તક લઈ શકે છે. વૃક્ષના ટ્રી ગાર્ડ પર એમનું નામ પણ લખવામાં આવશે. વૃક્ષારોપણ અંતર્ગત સદ્દભાવના સંસ્થા ખાતર-પાણી સહિત ૩ વર્ષ સુધી વૃક્ષોની માવજત કરશે. વૃક્ષના અપડેટની માહિતી દત્તક લેનારના મોબાઈલ નંબર પર‌ મળતી રહેશે.

કલેક્ટરએ નગરજનો પણ સ્વેચ્છાએ આ વૃક્ષારોપણમાં સહભાગી બની વૃક્ષ દત્તક લઈ વધુમાં વધુ પ્રમાણમાં વૃક્ષો વાવે એવી અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ‘હરિયાળું ગીર સોમનાથ’ કેમ્પેઈન એક અઠવાડિયું સુધી ચાલવાનું છે. જેમાં વિવિધ સરકારી જમીનો અને સ્થળો પર મોટાપાયે વૃક્ષારોપણ કરવામાં આવશે. આ કેમ્પેઈન અંતર્ગત જિલ્લા સેવા સદન, જિલ્લામાં ગૌચરની જમીનમાં, પોલીસ પરેડ મેદાન, અશ્વ ઉછેર કેન્દ્ર, ઈવીએમ વેરહાઉસ સહિતની સરકારી જમીનોમાં મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી વિનોદભાઈ જોશી, વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.


Advt.

 

 

 

 

 

 

Related posts

Leave a Comment