ચુંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી પરવાનાવાળા હથિયારો પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, જામનગર 

     લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ અંગે ચૂંટણીપંચ દ્વારા તા. ૧૬/૦૩/૨૦૨૪ના રોજ જાહેરાત કરવામાં આવતા સમગ્ર રાજયમાં આદર્શ આચાર સંહિતા લાગુ પડેલી છે. ચુંટણી અનુસંધાને ઉમેદવાર કે સંભવિત ઉમેદવાર કે કોઈપણ રાજકીય પક્ષ કે કોઈપણ વ્યકિત/સંસ્થા દ્વારા ચુંટણી સંબંધિત સભા, સરઘસ/રેલી કે તેવો કોઈપણ કાર્યક્રમ યોજવામાં આવશે. આ ચુંટણીનું મતદાન મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તે જોવાનો ચુંટણીપંચનો અભિગમ રહેલો છે.

આથી સમગ્ર જામનગર જિલ્લામાં જાહેર સુલેહ-શાંતિ અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ બી.કે.પંડ્યા દ્વારા શસ્ત્ર અધિનિયમ-૧૯૫૯ની કલમ ૨૨(૧ક) હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તે અનુસંધાને જામનગર જિલ્લાના આત્મરક્ષણના તથા પાકરક્ષણના તમામ પરવાનેદારોએ (અપવાદ સિવાયના) તેમના હથિયાર ૭ દિવસમાં સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવી તે અંગેની પહોંચ મેળવી લેવી. પોલીસ સ્ટેશન તરફથી સુચના મળવાની રાહ જોયા વિના આ હુકમને સુચના ગણી હથિયારો જમા કરાવી દેવાના રહેશે.

આ હુકમ જામનગર જિલ્લામાં ફરજ બજાવતા તમામ મેજિસ્ટ્રેટશ્રીઓ, કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકારના તમામ અધિકારીઓે/કર્મચારીઓે, કે જેઓેને કાયદા મુજબ હથિયાર (સરકારી કે અંગત) ધારણ કરવાની મંજુરી આપેલ છે અથવા પરવાનો ધરાવે છે, તેમને અથવા ચુંટણીની ફરજ ઉપર હોય તેમને લાગુ પડશે નહી. બેંકના રક્ષણ માટે બેંકના મેનેજરશ્રીના હોદાની રૂએ પરવાનો મંજુર કરાયેલ હોય તે પરવાના અન્વયેના હથિયારોને લાગુ પડશે નહી. માન્યતા ધરાવતી સિકયુરીટી એજન્સીઓના ગનમેન કે જેઓ રાષ્ટ્રીયકૃત, સહકારી કે કોમર્શીયલ બેન્કો, એ.ટી.એમ. તથા કરન્સી ચેસ્ટ લેવડ-દેવડ કરતા હોય તેવા હથિયારધારી ગાર્ડને તેમના હથિયાર જમા કરાવવામાં મુકિત આપવામા આવે છે. આવા સિકયુરીટી ગાર્ડએ તેઓ બેન્કમાં ફરજ બજાવતા હોવાનું સંબધિત બેન્ક મેનેજરનું પ્રમાણપત્ર તેઓના ફોટાગ્રાફ સાથેનું પોતાની પાસે રાખવાનું રહેશે. મોટા ઔધોગિક એકમો, જાહેર સાહસો, બોર્ડ/નિગમની સલામતી માટે જે તે એકમના સંચાલકશ્રી/જવાબદાર અધિકારીશ્રીના નામે મંજુર કરાયેલ પરવાના અન્વયેના હથિયારો તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અથવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ ખાસ પરવાનગી આપેલ હોઇ તેઓને લાગુ પડશે નહીં.

જિલ્લાના જે પરવાનેદારોએ હથિયાર જમા કરાવવામાંથી મુક્તિ મેળવવાને પાત્ર હોય તેઓએ જિલ્લા કક્ષાએ ૪ દિવસમાં સ્ક્રિનિંગ કમિટી સમક્ષ અરજી કરવાની રહેશે. ઉપરોકત તમામ હથિયારો ચુંટણી પ્રક્રિયા પુર્ણ થવાની તા.૦૬/૦૬/૨૦૨૪ પછી દિવસ-૭ માં સબંધિત તમામ પરવાનેદારોને પરત સોંપી આપવા અંગેની કાર્યવાહી સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીએ પૂર્ણ કરી લેવાની રહેશે. આવા હથિયારો સમયસર પરત મેળવી લેવાની જવાબદારી સબંધિત પરવાનેદારની રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર શસ્ત્ર અધિનિયમ-૧૯પ૯ની કલમ ૩૦ તથા ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

 

 

 

 

 

Related posts

Leave a Comment