હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ચિલ્ડ્રન ઈન સ્ટ્રીટ સિચ્યુએશન અંતર્ગત જિલ્લાકક્ષાએ કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ઈણાજ ખાતે બાળ સ્વરાજ પોર્ટલ પર એન્ટ્રી થયેલ બાળકોને દત્તક લઈ સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવા બાબતની મિટિંગ યોજાઈ હતી. જેમાં જિલ્લા બાળ સુરક્ષા કચેરી ગીર સોમનાથ દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી ચિલ્ડ્રન ઈન સ્ટ્રીટ સિચ્યુએશન બાબતે થયેલ કામગીરીની વિગતવાર ચર્ચા કરાઈ હતી.
જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા ચિલ્ડ્રન ઈન સ્ટ્રીટ સિચ્યુએશનમાં એનસીપીસીઆર દ્વારા જાહેર કરેલી કુલ ત્રણ કેટેગરીની માહિતી આપવામાં આવી હતી. જેમાં કેટેગરી-3 અનુસાર બાળકો દિવસ દરમિયાન શેરીઓમાં ભટકતા હોય છે અને રાત્રે ઘરે જાય છે એવા કુલ ૨૪ કુટુંબના કુલ ૫૬ બાળકો જેમાં કુલ ૩૦ છોકરાઓ અને ૨૬ છોકરીઓનો સમાવેશ થાય છે. જે પૈકી ૫ વિધવા બહેનો તેમજ એક દિવ્યાંગ બાળક છે. ઉક્ત તમામ પરિવાર વેરાવળ શહેર, બાયપાસ વિસ્તાર તેમજ ભીડિયામાં રહે છે. જેની વિગતે ચર્ચા કરાઈ હતી.

આ મિટિંગમાં આવા તમામ બાળકો અને પરિવાર માટે સામૂહિક શૌચાલયની રજૂઆત, બાળકોનો આંગણવાડીમાં અભ્યાસ, આવાસ યોજનાનો લાભ, આયુષ્માન કાર્ડ, ઈશ્રમ કાર્ડ તેમજ વિવિધ યોજનાનો લાભ આપવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. મિટિંગમાં કલેક્ટરએ અંગતલક્ષ્ય રાખી બાળકો તેમજ તેમના પરિવારનું જીવનધોરણ ઉંચું આવે તેવી પરિણામલક્ષી કામગીરી કરવાની સૂચના આપવામાં આવી હતી.
આ મિટિંગમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી પી.આર.પરમાર, પ્રાંત અધિકારી કે.વી.બાટી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એચ.કે.વાજા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
