રાજ્યકક્ષાના મંત્રી વિનોદ મોરડીયાના હસ્તે બોટાદ જિલ્લાના વિવિધ વિભાગોના વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

હિન્દ ન્યુઝ, બોટાદ

રાજ્યકક્ષાના મંત્રી વિનોદ મોરડીયાના હસ્તે બોટાદ જિલ્લાના વિવિધ વિભાગોના વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે માર્ગ અને મકાન વિભાગ હેઠળ રૂ.૧૬.૪૧ કરોડના ૪ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી વિનોદભાઈ મોરડીયાએ જણાવ્યું હતું કે, બોટાદનું જી.આઈ.ડી.સી. જિલ્લાનું ગ્રોથ અન્જિન બનશે. લોકોએ રોજગારી માટે અન્ય જિલ્લાઓ કે શહેરોમાં નહીં જવું પડે. બોટાદ જિલ્લાના વિકાસનો પ્લાન નક્કી કરવામાં આવ્યો છે.બોટાદ નવા ઉદ્યોગો થકી નવા આયામો સર કરી રહ્યું છે.

બોટાદ જિલ્લાના વિવિધ વિભાગોના વિકાસલક્ષી કામોમાં બરવાળા તાલુકાના સાળંગપુર ખાતે આવેલ શ્રી કષ્ટભંજન દેવ મંદિર તથા બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર સંકુલો વચ્ચેના રસ્તાના વિકાસ અર્થે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂ.૧.૫૮ કરોડનું મંજુરી પત્ર એનાયત કરવામાં આવ્યું હતું. ઉપરાંત ગઢડા-બોટાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 51ના રીન્યુઅલની કામગીરી, પાટણા-સુંદરીયાણા-જાળીલા-ગોધાવટા સાળંગપુર રોડ તથા બ્રીજની કામગીરી તેમજ રૂ.૭.૨૦ કરોડના ખર્ચે અનુસુચિત જાતિની કન્યાઓ માટે કન્યા છાત્રાલયના બાંધકામનું લોકાર્પણ કરાયું હતું.

શહેરી વિકાસ વિભાગ હેઠળ રૂ.૩.૧૭ કરોડના ખર્ચે બોટાદ ખાતે જુદા-જુદા વિસ્તારમાં સી.સી. રોડના કામોનું ખાતમુહૂર્ત તથા રૂ.૦.૬૫ કરોડના ખર્ચે ફાયર વોટર બ્રાઉઝર ૧૨૦૦ લીટરના કામનું લોકાર્પણ મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સિવાય સામાન્ય વહીવટ વિભાગ હેઠળ રૂ.૨.૯૬ કરોડના ૧૦૪ કામોનું ખાતમુહૂર્ત તથા રૂ.૧.૫૫ કરોડના ૭૨ કામોનું લોકાર્પણ કરાયું. જેમાં ગટર લાઇન, પીવાના પાણીની લાઇન અને સંપ, સી.સી. રોડ, પેવર બ્લોક અને નાળું, બસ સ્ટેન્ડ, આંગણવાડીમાં બોર-મોટર, પેવર બ્લોક, શૌચાલય અને કંપાઉન્ડ વોલ, પ્રાથમિક શાળામાં MDM શેડ, પેવર બ્લોક અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ, સ્મશાનમાં બોર-મોટર અને કંપાઉન્ડ વોલ, સંરક્ષણ દિવાલ જેવા વગેરે કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.પંચાયત વિભાગ હેઠળ રૂ.૦.૭૦ કરોડના ૨૩ કામોનું ખાતમુહૂર્ત તથા રૂ.૧.૨૦ કરોડના ૪૨ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં ગટર લાઇન, પીવાના પાણીની લાઇન, સી.સી. રોડ, પેવર બ્લોક, અવેડો તથા પ્રાથમિક શાળામાં MDM શેડ, સ્મશાનમાં સ્નાનઘાટ અને બોર-મોટર જેવા વગેરે કામોનો સમાવેશ થાય છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment