મુન્દ્રા તાલુકામાં ટીબી ચેપની આગોતરી તપાસ માટે ઈગરા ટેસ્ટના સેમ્પલ લેવામાં આવ્યા

ટી.બી- સાવચેતી – નિદાન – સારવાર

હિન્દ ન્યુઝ, ભુજ    

             સદીઓ બદલાઈ હોવા છતાં મનુષ્ય આજે પણ ટીબી એટલે કે ક્ષય રોગની સામે ઝઝૂમી રહ્યો છે મનુષ્ય શરીર પર તેની અસરો અને રોગની તીવ્રતાનો એક મૂક સાક્ષી રહ્યો છે. ટીબીનો ઇતિહાસ મનુષ્યની ઉત્પત્તિ જેટલો જ જૂનો હોવાનું માનવામાં આવે છે આ રોગ વિકસિત દેશોમાં પણ ક્યારેય નાબૂદ થઈ શક્યો નથી ત્યારે ભારત જેવા વિકાસશીલ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૦૨૫ સુધીમાં ટીબી મુક્ત ભારતનું સપનું સેવ્યું છે જેને સાકાર કરવા આરોગ્ય તંત્ર સઘન પ્રયાસો કરી રહ્યું છે જેના ભાગરૂપે તાજેતરમાં મુન્દ્રા, બારોઇ, ધ્રબ, લુણી, ભદ્રેશ્વર, વાંકી, લાખાપર અને બરાયા ગામે ૪૭લોકોના ઇગરા ટેસ્ટ માટે લોહીના નમૂના લેવામાં આવ્યા હતા.

            સામાન્ય રીતે ટીબીના લક્ષણો વાળા દર્દીઓના ગળફા અને એક્સરે દ્વારા ટીબીનું નિદાન કરવામાં આવતું હોય છે પરંતુ ટીબીના દર્દીના સીધા સંપર્કમાં આવેલ વ્યક્તિઓને ટીબીનો ચેપ લાગી ચૂક્યો હોવા છતાં લક્ષણો દેખાતા નથી આવા સુષુપ્ત – ગુપ્ત ટીબીના ચેપી વ્યક્તિઓની તપાસ કરવા માટે લોહીના નમુના લઈને ઇગરા ટેસ્ટ કરવામાં આવે છે આ ટેસ્ટ મુંબઈમાં થતું હોઈ અને ૨૪કલાકમાં જ કરવાનું હોઇ કચ્છમાંથી આરોગ્ય તંત્ર દ્વારા સેમ્પલો કંડલાથી મુંબઈ હવાઈ માર્ગે મોકલવામાં આવે છે.

            ઈગરા ટેસ્ટમાં પોઝિટિવ રીઝલ્ટ આવતા વ્યક્તિમાં ટીબીના સુષુપ્ત જંતુ હોવાની જાણકારી મળે છે પરંતુ વ્યક્તિમાં ટીબીના કોઈ લક્ષણો દેખાતા નથી તેથી ટીબી રોગની પુષ્ટિ કરવા માટે એક્સરે તપાસ કરવામાં આવે છે અને જો તે પોઝિટિવ આવે તો સક્રિય ટીબીનો દર્દી ગણીને તેની સારવાર કરવામાં આવે છે. પરંતુ ઇગરા ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા બાદ એક્સરે નેગેટિવ આવે તો એવા વ્યક્તિને દર અઠવાડિયે એક દવાનો ડોજ એમ ત્રણ મહિનામાં બાર ડોજ આપવાથી વ્યક્તિ ટીબીના જંતુથી સંપૂર્ણ મુક્ત થાય છે. અને આ રીતે ટીબી મુક્ત ભારત અભિયાનની સફળતાને વેગ મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા મહિને પણ મુન્દ્રા તાલુકામાં ૫૫ઇગરા ટેસ્ટ લેવામાં7 આવ્યા હતા જેમાંથી ૬ લોકોને  નિષ્ક્રિય ટીબી હોવાનું નિદાન થયેલ અને એમને રોગ અટકાયતી સારવાર આરોગ્યતંત્ર દ્વારા મફત પૂરી પાડવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી જિલ્લા ટીબી અધિકારી ડો. મનોજ દવેના સીધા માર્ગદર્શન હેઠળ મુન્દ્રાના સિનિયર ટીબી સુપરવાઇઝર મેઘજીભાઈ સોધમ તથા લેબોટરી ટેકનિશિયન રિદ્ધિબેન રાવલની આગેવાની હેઠળ કરવામાં આવી રહી છે. જેમાં ટીબી કાઉન્સિલર જયંતીભાઈ મહેશ્વરી, હેલ્થ સુપરવાઇઝર પ્રકાશભાઈ ઠક્કર તથા આરોગ્ય કાર્યકર જીગ્નેશભાઈ પંચાલ સહયોગી રહ્યા હતા

Related posts

Leave a Comment