હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટ જિલ્લામાં માર્ગ-મકાન , સિંચાઈ, પંચાયત, પાણી, આરોગ્ય, જનસેવા સહિતના માળખાગત કામોના કોન્ટ્રાક્ટ અપાયા પછી જેટલી એજન્સી કામો પૂર્ણ કરતી નથી તેમજ ગેરેન્ટી પિરિયડમાં છે, તે કામો કર્યા નથી એવી એજન્સીઓ સામે રાજ્ય સરકાર દ્વારા અપાયેલી માર્ગદર્શિકા મુજબ નોટિસ આપીને આવી એજન્સીઓને બ્લેકલિસ્ટમાં મુકવા અંગે જરૂરી દરખાસ્તો કરવા કલેકટર અરુણ મહેશ બાબુએ ફરિયાદ-સહ-સંકલન મિટિંગમાં સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. રાજકોટ જિલ્લાના જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોના નિકાલ અર્થે માર્ગદર્શન આપતા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે જેને ત્રણ નોટિસ અપાઇ ગઇ છે એવી એજન્સીઓને બ્લેક લિસ્ટ કરવા દરખાસ્ત કરવાની રહેશે. તથા અંગે હાથ ધરાયેલી કાર્યવાહીનો અહેવાલ પણ રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું .બાકીની એજન્સીઓને સમયસર કામ પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી હતી. જસદણ તાલુકાના આરોગ્ય કેન્દ્રમાં વિજ ટ્રાન્સફોર્મર હટાવવા મુદ્દે થયેલી ચર્ચા નાયબ કલેકટરએ અન્ય શાળા કે આરોગ્ય કેન્દ્રના કમ્પાઉન્ડની અંદર આવી સ્થિતિ હોય તો વગર રજૂઆતે જોખમી વાયર કે ટ્રાન્સફોર્મર તાત્કાલિક હટાવવા સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાજકોટથી એમ્સ હોસ્પિટલ સુધી જવા માટે એસ. ટી. શરૂ કરવા સંબંધિત વિભાગ ને સૂચના આપવામાં આવી હતી. જુદા જુદા કામો કરવા માટે જમીન પર દબાણ હોય તે દબાણ તાત્કાલિક અસરથી દૂર કરવા આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. જિલ્લાના ધારાસભ્યઓના પ્રશ્નો સાંભળી તેનો ત્વરિત નિકાલ કરવા પણ સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં ધારાસભ્યો કુંવરજીભાઈ બાવળીયા, લાખાભાઈ સાગઠીયા, લલીતભાઈ વસોયા, લલીતભાઈ કગથરા તેમજ મહંમદ જાવેદ પીરઝાદા તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મોહનભાઈ સહિતના અગ્રણીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.