હિન્દ ન્યુઝ, અમદાવાદ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદીમાં જણવ્યા અનુસાર બોર્ડની સાથે નોંધાયેલ શાળાઓના સંચાલકઓ, આચાર્યઓ, શિક્ષકઓ, વહીવટી કર્મચારીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે, ધોરણ – ૧૦ અને ૧૨ સામાન્ય/વિજ્ઞાન પ્રવાહના આવેદનપત્રો ભરવાની મુદ્દત પૂર્ણ થયેલ છે. માર્ચ-૨૦૨૨ની પરીક્ષા માટે આવેદનપત્રો ઓનલાઈન ભરવાનું બાકી રહી ગયેલ હોય તેવા રેગ્યુલર અને રીપીટર ઉમેદવારોના આવેદનપત્રો ભરી શકાય તે હેતુથી તા.૦૭/૦૨/૨૦૨૨ થી ૧૬/૦૨/૨૦૨૨ સુધી ઓફલાઈન માધ્યમથી પરીક્ષા ફોર્મ ભરવા માટે વધુ ૧૦ દિવસની મુદ્દત આપવામાં આવે છે. જેની સપૂર્ણ વિગત અને ફોર્મ બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી ઓફલાઈન ફોર્મના નમુનાની પ્રિન્ટ લઇ જે શાળામાં અગાઉ અભ્યાસ કર્યો હોય તે શાળાના સહી સિક્કા, જરૂરી દસ્તાવેજો અને નિયત પરીક્ષા ફી, રૂ! ૩૫૦/- લેઇટ ફી અને રૂ! ૫૦૦/- પેનલ્ટી સાથે “સચિવ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ” ના નામજોગ ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવી પરીક્ષા શાખામાં તા.૦૭/૦૨/૨૦૨૨ થી ૧૬/૦૨/૨૦૨૨ સુધીમાં કચેરી સમય દરમ્યાન રૂબરૂ અથવા ટપાલથી જમા કરાવવાના રહેશે. રેગ્યુલર અને રીપીટર વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફોર્મનો નમૂનો બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી ડાઉનલોડ કરી શકાશે. અગાઉ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે બોર્ડની વેબસાઈટ પર મુકેલ આવેદનપત્રો ભરવાની સૂચનાઓ ધ્યાને લેવી.
નોંધ : વિધાર્થીનીઓ તથા દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષા ફીમાંથી મુક્તિ રહેશે જયારે લેઇટ ફી અને પેનલ્ટી લાગુ પડશે.
